બુધવારથી ગુજરાતનાં તમામ થિયેટરોમાં અઠવાડિયે બે શો ફરજિયાત ગુજરાતી મૂવી માટે રાખવા પડશે

સોમવાર, 30 માર્ચ 2015 (14:56 IST)
ગુજરાતી ફિલ્મોને બચાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને એ કવાયતના ભાગરૂપે પહેલી એપ્રિલથી ગુજરાતનાં તમામ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરે વીકમાં બે શો ગુજરાતી ફિલ્મને ફરજિયાત ફાળવવાના રહેશે એવો પરિપત્ર ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે.



જોકે આ પરિપત્રથી ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો ખુશ નથી. તેમની દલીલ છે કે વીકમાં બે શો ગુજરાતી ફિલ્મને ફાળવવાથી આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બચી જાય એવું વિચારવું સહેજ પણ યોગ્ય નથી. ઍક્ટર અરવિંદ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો એ સારી વાત છે, પણ અઠવાડિયાના બે શો બહુ ઓછા કહેવાય. મારી દૃષ્ટિએ દરરોજ જો એક શો બતાવવાનો નિયમ બનાવવામાં આવે તો એનો બહુ મોટો ફાયદો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને થશે.’

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં જ્યારે આ બાબતે વાત કરવાની કોશિશ કરવામાં આવી ત્યારે આ વિષય પર સત્તાવાર જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને બિનસત્તાવાર રીતે કહ્યું હતું કે આ નિયમનો અમલ કરાવ્યા પછી ગુજરાત સરકાર ત્રણ મહિનામાં નવો નિયમ લાવીને શોની ક્વૉન્ટિટી વધારવા વિશે વિચારે છે.

વેબદુનિયા પર વાંચો