માયશા ફિલ્મ્સ, મોરી ગ્રુપ અને સીઝારા સીનેઆર્ટ સ્ટુડિયો દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ "બાબુભાઇ સેન્ટિમેન્ટલ"નું ટ્રેલર અમદાવાદમાં ટાઈમ સિનેમા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એક્શનની સાથે સાથે એડવેન્ચર અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ છે. "બાબુભાઇ સેન્ટિમેન્ટલ"ના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર તથા શિવાની જોશી છે. ઉપરાંત, નિસર્ગ ત્રિવેદી, કમલ સિસોદિયા તથા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. મિલન શર્મા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર્સ નિધિ મોરી અને વીના શર્મા છે. "બાબુભાઇ સેન્ટિમેન્ટલ"નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને તે દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ અને એડિટિંગ ખૂબ જ મહત્વનું છે જે અમીત પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક હિતેશ- વિવેકની જોડીએ આપ્યું છે. "બાબુભાઇ સેન્ટિમેન્ટલ" 17 જાન્યુઆરી, 2020ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
ફિલ્મના ડાયરેક્ટર મિલન શર્માએ જણાવ્યું હતું કે, "અવનવા વિષયો પર ફિલ્મ બનતી રહે છે, પરંતુ આ એક અનોખી ફિલ્મ છે. "બાબુભાઇ સેન્ટિમેન્ટલ" એક એક્શન ફિલ્મ છે, જેમાં મુખ્ય નાયક (નક્ષરાજ કુમાર)નું હથિયાર હોય છે ખાટલાનો પાયો. એક એવો માણસ જે સંવેદનશીલ હોય અને એના જીવનમાં કોઈ એવી ખરાબ ઘટના બને કે જેના કારણે તેણે હથિયાર ઉપાડવું પડે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જે દર્શકોને જરૂરથી પસંદ પડશે."
ફિલ્મમાં ગામડાં તથા કોલેજની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમાં મુખ્ય નાયક દેવરાજ (નક્ષરાજ કુમાર) એક ગામડાના માણસના લૂકમાં જોવા મળશે, જેના પહેરવેશમાં કેડિયું છે અને માથે પાઘડી છે તથા હાથમાં ખાટલાંના પાયાનું હથિયાર હોય છે. આ કહાની દર્શકો માટે ઘણી જ રસપ્રદ બની રહેશે.