મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેમનુ મૃત્યુ 84 વર્ષની વયમાં 12 નવેમ્બર 1946ના રોજ બનારસમાં થયુ. મદન મોહન માલવીય એક શિક્ષક અને સ્વતંત્રતા સેનાની હતા. જેમને તેમના કામો માટે 'મહામના' ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહામના તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.
તેઓ 1909 અને 1918માં ઈંડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેંટ રહ્યા. 1916માં માલવીયજીએ જ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલાયની સ્થાપના કરી હતી અને 1919થી લઈને 1938 સુધી તેના વાઈસ ચાંસલર પણ રહ્યા. માલવીયજીએ પહેલીવાર 1886માં રાજનીતિમાં પગલુ મુક્યુ હતુ. જ્યારે તેમણે દાદાભાઈના નેતૃત્વમાં કલકત્તામાં થઈ રહેલ બીજા ઈંડિયન નેશનલ કોંગ્રેસ સંમેલનમાં ભાગ લીધો હતો.