ગુજરાતમાં ૧૫ સપ્ટેમ્બરથી મતદાનયાદી સુધારણા ઝુંબેશ

શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (14:36 IST)
આગામી વિધાનસભા ચુંટણીને લઈને ચુંટણી પંચે તેના સરળ સંચાલનની તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે રાજ્ય ચૂંટણીપચં દ્રારા ફોટાવાળી નવી મતદાર યાદી ઝડપથી તૈયાર કરવા કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે તમામ જિલ્લા કલેકટરોને આદેશ આપી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી વિધુત સ્વૈને કરેલી જાહેરાત મુજબ તા.૧-૧-૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે.જેના પગલે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સક્રિય થયા છે.

ચીફ ઈલેકશન ઓફિસર વિધુત સ્વૈને કરેલી જાહેરાત મુજબ આગામી તા.૧૫ સપ્ટેમ્બરથી મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ થઈ જશે.તા.૧૫ સપ્ટેમ્બરના રોજ ફોટાવાળી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ કરાશે અને તા.૧૪ ઓકટોબર સુધી મતદારો હકક-દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે. તા.૧૮,૨૫ સપ્ટેમ્બરના રોજ તમામ મતદાન મથકોએ બીએલઓને હાજર રાખીને મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવાની, સુધારા-વધારા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે અને છેલ્લે તા.૯ ઓકટોબરના રોજ આ પ્રકારે ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ચૂંટણીપંચે તા.૧૬ સપ્ટેમ્બર અને તા.૩૦ ઓકટોબરના રોજ ગ્રામ્યકક્ષાએ ગ્રામસભાઓ અને શહેરીકક્ષાએ વોર્ડ સભાઓ યોજીને મતદાર યાદીના મુસદ્દાના સંબંધિત ભાગોનું વાંચન કરવાનું અને ચકાસણી કરવાનું પણ નકકી કરેલ છે. મતદાર યાદી સુધારણાના આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધાવવા માટે લાયક થતાં હોય તેવા નવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે રાજકીય પક્ષોને પણ આગળ આવવા ચૂંટણીપંચે અપીલ કરી છે

વેબદુનિયા પર વાંચો