મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે રાજ્યના યુવાકૌશલ્યની બુદ્ધિ(ક્ષમતાને) ઉપલબ્ધિમાં પરિવર્તીત કરી ‘સ્ટાર્ટઅપ’ દ્વારા યુવા પેઢી ‘જોબ સીંકર નહિ જોબ ગીવર’ બનવાની છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૭ના પૂર્વાધ રૂપે મહાત્મા મંદિરમાં યોજાયેલી સ્ટાર્ટઅપ સમિટનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ દ્વિદિવસીય સમિટમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના ૧૧૦૦ ઉપરાંત હોનહાર યુવા સ્ટાર્ટઅપ ભાગલઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ તરવરાટ અને જીવનમાં કાંઇક કરી છૂટવાની ધગશથી છલકતા આ યુવા સ્ટાર્ટઅપને પ્રેરણા આપતાં કહ્યું કે, ર૧મી સદીની યુવા પેઢીનો આઇકયુ બહુ ઊંચો છે તેની વિચારશકિત અને નવા આવિષ્કરણો કરવાની કૂનેહને તક આપી કન્સ્ટ્રકટીવ વેમાં પ્રેરિત કરવા આ સ્ટાર્ટઅપ ચાલક બળ બનવાનું છે. વિજયભાઇ રૂપાણીએ આ યુવાશકિતના વિચારો-સામર્થ્યને સથવારે ભારતને મહાસત્તાઓની હરોળમાં મૂકવા પ્રધાનમંત્રીએ મેઇક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ જેવા અભિનવ પ્રયોગો સફળતાથી પાર પાડવાનો જે સંકલ્પ કર્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી.
તેમણે ઉમેર્યુ કે, વિશ્વની સાથે સ્પર્ધામાં ઊભું રહી શકે તેવું સામર્થ્યવાન યુવાધન ભારત પાસે છે એ યુવાશકિત પાસે જે વિચારો છે તેને સરકાર પ્રોત્સાહન-સર્પોટ આપીને ઊદ્યોગ-વેપાર-રોજગારમાં કન્વર્ટ કરવા પડખે ઊભી રહેવાની છે. મુખ્યમંત્રી એ ગુજરાતમાં ઊદ્યોગ સાહસિકો-નવોન્મેષી વિચારના સપના સંજોર્યા છે તેવા સાહસિક યુવાનો માટે સ્ટાર્ટઅપ પોલિસી તહેત પ્રોત્સાહનો આપીને તેને સક્ષમ-સફળ ઊદ્યોગ-વ્યવસાયકાર બનાવવાનો જે અભિગમ સરકારે અપનાવ્યો છે તેના દ્રષ્ટાંતો આપ્યા હતા.તેમણે કહ્યું કે ગુજરાતમાં પારિવારિક વેપાર-વ્યવસાય જ યુવા સંતાનો આગળ ધપાવે તેવી પરંપરાગત માન્યતાથી અલગ ભાત ઉપસાવતા અનેક એવા ગુર્જર રત્ન સમા યુવા સ્ટાર્ટઅપ છે જે પોતાના વિચારો-આઇડીયાઝથી કાંઇક નવું કરવાની ખ્વાહિશ રાખે છે. આવા હોનહાર ખંતીલા યુવા સ્ટાર્ટઅપને રાજ્ય સરકાર સંપૂર્ણ મદદ-સપોર્ટ આપી તેમના સપના પાર પાડશે. વિજયભાઇ રૂપાણીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૭માં સ્ટાર્ટઅપ અને MSME પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ઔદ્યોગિક ક્ષેત્રને ભારતના સ્ટાર્ટ-અપ અભિયાનથી નવી જ દિશા મળશે તેમ જણાવતા સ્ટાર્ટ-અપ કેનેડાના સી.ઇ.ઓ. વિકટોરીયા લિનક્સે ઉમેર્યું હતું કે, ભારત દેશમાં સ્ટાર્ટ-અપ માટે વિશાળ તક છે. ભારતમાં માર્કેટ પણ મોટું છે. વિકટોરીયાએ નવાગંતુક ઉદ્યોગ સાહસિકોને બી ગ્લોબલ, ગો ગ્લોબલ અને થીંક બીગ જેવા સફળતાના મંત્રો આપી શ્રેષ્ઠ સમાજ નિર્માણ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે કેનેડાના મુંબઇ સ્થિત ટ્રેડ કમિશનર ચેડ હન્સલરે (CHAD HENSLER) ભારત અને કેનેડાના વ્યાવસાયિક સંબંધો વબુ મજબૂત બને તે માટે બન્ને દેશોના સંનિષ્ટ પ્રયાસોની ખાસ નોંધ લઇ જણાવ્યું હતું કે, સંશોધન અને ઇનોવેશન દ્વારા કેનેડા અને ભારત ઔદ્યોગિક સહયોગ ક્ષેત્રે શ્રેષ્ટ પરિણામ હાંસલ કરશે. તેમણે જણાવ્યું હતું કે, સંશોધન વિકાસ, ઇનોવેશન જેવા ક્ષેત્રે સહયોગ માટે કેનેડા-ભારત મેડ ફોર ઇચઅધર છે. પરસ્પર સહયોગથી કેનેડા-ઇન્ડિયા ટ્રેડ પાર્ટનરશીપ નવા જ પરિણામો સર્જશે. કાર્યક્રમની શરૂઆતમાં ફિક્કીના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ શ્રી પંકજ પટેલે વેપાર એ ગુજરાતીઓના સંસ્કાર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, સ્ટાર્ટ-અપ દ્વારા ગુજરાતીઓના આ કૌશલ્યને નવું બળ મળશે. શ્રી પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ-અપથી બેસ્ટ ઇકોનોમી ઉપરાંત રોજગાર નિર્માણની શ્રેષ્ઠ તકો દ્વારા મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે. ક્વોલીટી ઓફ ટેલેન્ટ એ સ્ટાર્ટ-અપનું હાર્દ અને ઇનોવેટીવ આઇડિયા જ ઔદ્યોગિક સફળતાના પાયા રૂપ ગણાવ્યા હતા.