સુરતના ભજિયાવાલાએ લોકોને ભજિયા ખાવાના પણ નહોતા રાખ્યા, આઈટીની રેડમાં90 કરોડના ડોક્યુમેન્ટ ઝડપાયા

શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (13:30 IST)
ચા અને ભજીયાના વ્યવસાયથી ધંધાથી શરૂઆત કરી ફાયનાન્સર બનનાર કિશોર ભજીયાવાલાને ત્યાં આઈટીએ સરવે હાથ ધર્યો છે. આ સરવે દરમિયાન કરોડો રૂપિયાની સંપતિ આઈટીના હાથ લાગી છે. સરવેમાં 25 લાખ મળી આવતા તપાસ સર્ચમાં તબદીલ કરાઇ હતી. આઇ ટી અધિકારીઓને શંકા છે કે, શહેરમાં કિશોર ભજીયાવાલાની મિલકતોનો આંક 200થી વધુ છે. ચાલુ સર્ચમાં અધિકારીઓને વ્યાજની ઉઘરાણી કરતાં કિશોર ભજીયાવાલાથી ત્રસ્ત કેટલાંક લોકોના ફોન આવ્યા હતા. ફોન કરનારના પ્રતિભાવથી અધિકારીઓને એ સમજ ન પડતી હતી કે, આ પ્રશંસા છે કે કટાક્ષ. ફાયનાન્સરથી દુભાયેલાઓ કહેતા હતા કે, સાહેબ! તમે પહેલીવાર સારું કામ કર્યું છે! બીજી તરફ આઇટીની તપાસ શરૂ થતાં જ કિશોર ભજીયાવાલા, પત્ની અને દિકરાની તબિયત લથડી હતી. જેમાં પત્ની અને દિકરાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કિશોર માટે ડોક્ટર ઘરે આવ્યા હતા. તપાસમાં અધિકારીઓના ફોન સતત રણકતા રહ્યા હતા અનેક લોકો કહેતા કે, સાહેબ વ્યાજે નાણાં આપતી વખતે પ્રોપર્ટી લખાવી લેતો, હાલ તેની પાસે જે પ્રોપર્ટી છે તે આ રીતે જ ઊભી કરી છે. નાણાં નહીં ભરનારી મહિલાઓના મંગળસૂત્ર પણ લઇ લીધા છે. ભજીયાવાલાના વ્યાજના તેલમાં ઉધના ઉદ્યોગનગર સંઘના મોટાભાગના લગભગ તમામ ગુજરાતી ઉદ્યોગકારો દાઝ્યા છે. અહીંના લગભગ બધા જ ઉદ્યોગકારો ભજીયાવાલાને વ્યાજ ચૂકવી ચૂક્યા છે અને કેટલાક તો દેવાના ડુંગર નીચે ઘર-વેપાર વેચવા પડ્યા છે. એક સમયે શેઠિયાઓને ચા અને ભજીયા વેચતો ભજીયાવાલા આ જ શેઠિયાઓને વ્યાજે રૂપિયા આપી વસૂલાત વેળા બાઉન્સરની મદદથી દબડાવતો હોવાના કિસ્સા પણ ચર્ચામાં છે. ભજીયાવાલાના પિપલ્સ, BOB અને HDFC સહિત કુલ 30 જેટલાં ખાતા છે. 8મી બાદ દરેક ખાતામાં નાણા જમા કર્યા હોવાની શંકા છે. અન્યોના ખાતામાં નાણાં નંખાયા છે. મોટાભાગના નાણાં ચેક દ્વારા એક બેંકથી બીજી બેંકના ખાતામાં શિફ્ટ કરાયા છે. એક રીતે ટ્રાન્ઝેકશનની જાળ ઊભી કરી છે.ભજીયાવાલાના નાણાંની પ્રોપર્ટી તો ખરીદવામાં આવતી હતી, પછી તે ભાડે ચઢાવી દેવાતી હતી. રિટર્ન પ્રમાણે ભાડાની આવક જ દસ લાખની છે. વ્યાજની આવકના નાણાં ઓટો સેક્ટર સાથે સંકળાયેલાં એક વ્યક્તિએ જમીન, સોનું, અન્ય ધંધાઓમાં લગાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ઉધનાના ફાયનાન્સર ભજીયાવાલાને ત્યાં હાથ ધરવામાં આવેલાં સર્ચ ઓપરેશનમાં ત્રીજા દિવસે ઉધના શાખાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કના લોકરમાં રખાયેલાં રૂપિયા 1.06 કરોડ મળી આવ્યા હતા. જેમાંથી બે હજારની કુલ 90 લાખના મુલ્યની નોટ હતી. જ્યારે તેના ઘરેથી પણ 23 લાખ મળી આવ્યા હતા. ફાયનાન્સરના કુલ આઠ લોકર ઓપરેટ કરવામાં આવ્યા હતા. જેમાં રોકડ ઉપરાંત સોનું, ચાંદી, કિશાનવિકાસ પત્ર અને જ્વેલરી મળી કુલ રૂપિયા 14 કરોડની મત્તા હાથ લાગી હતી.પંચનામાં બાદ આઇટી બધુ જ સિઝ કરી દેશે. દરમિયાન કિશોર ભજીયાવાલાની બંધ ફેકટરીમાં છુપી રીતે ચાલતી ઓફિસ પર પણ આઇટીની એક ટીમ પહોંચી હતી. જ્યાં 90 કરોડના દસ્તાવેજ, સાટાખત અને ચાવીઓ મળી આવી હતી. એક જ કરદાતાને ત્યાંથી આટલો મોટો દલ્લો મળી આવતા આ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ પણ રસ દાખવ્યો છે.

વેબદુનિયા પર વાંચો