ગુજરાત રાજયમાં કુલ 62 ટકા વરસાદ

શુક્રવાર, 31 જુલાઈ 2015 (14:58 IST)
ગુજરાતમાં આ વખતે મોડું ચોમાસુ શરૂ થયું છે પરંતું ચોમાસાએ ભારે ધમાકેદાર એન્ટ્રી કરી છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયા બાદ બીજા તબક્કામાં અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકને તબાહ કરવામાં વરસાદે કંઇ કમી વરતાવી નહોતી. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો પરંતુ, ઉત્તર ગુજરાત અને કચ્છ વરસાદથી વંચિત હતા.

આ પંથકમાં પણ ત્રીજા તબક્કામાં વરસાદે ભારે તબાહી સર્જીને રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જી દીધી છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા જિલ્લાના કેટલાય વિસ્તારોને અસ્ત વ્યસ્ત કરી દીધા છે. લગાતાર ત્રણ દિવસ સુધી પડેલા આ વરસાદના કારણે જાનમાલની અને સંપત્તિની ભારે નુકસાની થવા પામી છે. આ વિસ્તારના કેટલાય હજારો ગામોનો સંપર્ક તુટી જવા પામ્યો છે. લોકોએ પોતાના ઘરો છોડીને સલામત જગ્યાએ આશરો લેવો પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતની તમામ નદીઓમાં પૂર આવતાં કાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાની સર્જાઇ હતી અને લોકોને પણ સ્થળાંતર કરવું પડ્યુ છે.

આ ત્રીજા તબક્કાનો વરસાદ સમગ્ર રાજ્યમાં નોંધાયો છે અને હવે ભારે તબાહી સર્જ્યા બાદ વિરામ લીધો છે. છેલ્લા ચોવીસ કલાકના સમયગાળામાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધારે 119.72 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના 20 માંથી 14 જળાશયો સંપૂર્ણ ભરાઇ જવા પામ્યા છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ભારે માત્રામાં નોંધાઇ છે. સાબરકાંઠા જિલ્લાના પોશીમાં 8 ઇંચ વરસાદ, દિયોદરમાં 5 ઇંચ, હારીજ, સાંતલપુર, સિદ્ધપુર, અમીરગઢ, ભિલોડા, વિજયનગર, પાલનપુર સહિતના તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતિ નદીમાં પાણીનો વધારો થવા પામ્યો છે. 70 હજાર ક્યુસેક પાણી ધરોઇ ડેમમાંથી છોડવામાં આવ્યું છે. તેના કારણે રીવરફ્રન્ટ પર નાગરિકોને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ, દસક્રોઈ, મહુધા, બાલાસિનોર, સંતરામપુર, ઉમરપાડા, ડાંગ, વઘઇ સહિતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગાંધીનગર, દહેગામ, માણસા સહિતના વિસ્તારોમાં ભારે તોફાની વાવાઝોડાના કારણે હજારો વૃક્ષોના નિકંદન કાઢ્યા બાદ વિરામ લિધેલા વરસાદ ગઇકાલે એક થી બે ઇંચ નોંધાયો છે.

રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે મોટા જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. 31 જળાશયોમાં પાણીની સપાટી ભયજનક પર જઇ રહી છે અને તેમને એલર્ટ તેમજ 17 જેટલા જળાશયો હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્ર વિસ્તારના પાંચ જળાશયો, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ચાર જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. રાજયમાં ૮૦ થી ૯૦ ટકા ભરાયેલા ૧૭ જળાશયોને એલર્ટ જાહેર કરાયેલા છે. જેમાં બનાસકાંઠાનું દાંતીવાડા, મહેસાણાનું ધરોઇ, કચ્છનું તાપ્પર, અમરેલીનું વાડી, ભાવનગરનું હમીરપુરા, જામનગરના ડેમી-૩ અને ફોફલ-ર, ગીર-સોમનાથનું રાવલ, રાજકોટનું ન્યારી-ર, આજી-ર, વચ્છાપરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ ભરૂચનું પિગુટ, દાહોદનું કડાણા, અરવલ્લીનો મેશ્વો જળાશયનો સમાવેશ થાય છે. જયારે અન્ય ૧૩૯ જળાશયોમાં ૭૦ ટકાથી નીચે જળસંગ્રહ થયો છે. રાજ્યનો સૌથી મોટો બંધ સરદાર સરોવર ડેમ 121.92 મીટરની સપાટીએ પહોચ્યો છે.

વેબદુનિયા પર વાંચો