મેડિકલ ટેસ્ટમાં જયેશ પટેલ સહકાર આપતા નથી

ગુરુવાર, 23 જૂન 2016 (11:46 IST)
પારૂલ ઈંસ્ટીટ્યુટની નર્સિગની વિદ્યાર્થીની સાથે બળાત્કાર કેસમાં ઝડપાયેલ આરોપી જયેશ પટેલને આજે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. જોકે, તેણે આ મામલે પોલીસને સહકાર આપ્યો નહતો. આ અંગે વડોદરા જિલ્લા પોલીસવડા સૌરભ તેલબિયાના જણાવ્યા મુજબ, જયેશ પટેલને વીર્ય, ડીએનએ, બ્લડ સેમ્પલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતના ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.

પરંતુ તેણે આ મામલે સહકાર આપ્યો નથી. જેથી તેના ગુપ્તાંગના વાળને ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.૩ કલાક સુધી જયેશ પટેલના મેડિકલ ટેસ્ટ માટે પ્રયત્નો કરાયા હતા. જોકે, વીર્ય ટેસ્ટ માટે તેણે જરા પણ સહકાર આપ્યો નહતો. તેલબિયાએ જણાવ્યુ હતું કે, જયેશ પટેલને આવતીકાલે ફરી મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે. જો જરુર પડશે તો ભાવના અને જયેશ પટેલનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવશે. દરમિયાન જયેશ પટેલને જ્યારે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાતો હતો ત્યારે તેની સામે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. આરોગ્ય કેન્દ્રની બહાર મોટી જનમેદની ઉમટી પડી હતી અને આખો રસ્તો ટોળાઓથી ભરાઈ ગયો હતો. લોકોએ જયેશ પટેલ સામે સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

મહિલાઓએ એટલી હદે સુત્રોચ્ચાર કર્યા હતા કે આ નરાધમને અમને સોંપી દો અમે તેમને સજા કરીશું. બહુ છોકરીઓની જિંદગી બરબાદ કરી છે. પોલીસે સ્થિતિને જોતા આરોગ્ય કેન્દ્ર તરફ જતા માર્ગ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુક્યો હતો. ઉલ્લેખનીય છે કે, પારુલ ઈન્સ્ટિટ્યુટમાં નર્સીંગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની સાથે બળાત્કાર કેસમાં છેલ્લા ચાર દિવસથી ફરાર એવા જયેશ પટેલને વડોદરા લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે આણંદ નજીક નેશનલ હાઈવે નંબર-૮ પરથી ગત મોડી રાત્રે ઝડપી પાડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો