અમેરિકામાં લૂંટના ઈરાદે વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરાઈ

મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (12:08 IST)
અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સીલસીલો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના ડેમોલ ગામના અને અમેરિકાના ઓહિયો ખાતે રહેતા કિશોરની એક અશ્વેતે લૂંટના ઈરાદે તેના કાકાની રેસ્ટોરન્ટમાં જ ગોળી મારી હત્યા કરી દીધી હતી. સ્થાનિક પોલીસે રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી બે દિવસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ બનાવને પગલે ડેમોલ ગામ સહિત અમેરિકામાં વસતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકા સ્થિત ડેમોલ ગામના વતની રવિભાઈ પટેલ પોતાના પરીવાર સાથે છેલ્લાં 22 વર્ષથી અમેરિકાના ઓહિયો ખાતે સ્થાયી થયા છે. રવિભાઈ પટેલનો ૧પ વર્ષનો પુત્ર સની ગત શુક્રવારે સ્કૂલેથી ઘરે પરત આવી રહ્યો હતો. દરમિયાન, સાઉથ ટ્રેલર રોડ પર તેના કાકાની હીરો રેસ્ટોરન્ટ આવેલી છે. રસ્તામાં આવતી વખતે તે તેના કાકાની રેસ્ટોરન્ટમાં ગયો હતો. જ્યાં તેના કાકા રેસ્ટોરન્ટ સાફ કરી રહ્યા હતા. તેઓ રેસ્ટોરન્ટની અંદર હતા. જ્યારે બીજી તરફ સની રેસ્ટોરન્ટના કેશ કાઉન્ટર પર ઉભો હતો. સાંજે આઠ કલાકે અચાનક એક અશ્વેત યુવક મોંઢાના ભાગે બુકાની બાંધેલી હાલતમાં હાથમાં પિસ્તોલ લઈ ધસી આવ્યો હતો. તેણે તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. અને બાજુમાં ઊભા રહેલા સનીના લમણે પિસ્તોલ મૂકી દીધી હતી.  જોકે, આ સમય દરમિયાન તેમની વચ્ચે રકઝક થઈ હતી. એ સમયે અશ્વેત યુવકે પિસ્તોલનું ટ્રીગર દબાવી દેતાં કિશોર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો. આ બનાવ બાદ લૂંટને અંજામ આપી યુવક ફરાર થઈ ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળી કિશોરના કાકા તુરંત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા. અને તેની યુનિવર્સ સીટી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.  

વેબદુનિયા પર વાંચો