વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્નિએ ફરી કહ્યું, મારા અંગરક્ષકોથી મને બહુ બીક લાગે છે

સોમવાર, 4 મે 2015 (17:56 IST)
સદગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેનને પણ આવો ડર સતાવી રહ્યો છે. જશોદાબહેને ફરી એક વાર એક નવી અરજીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હુમલો કરીને હત્યા કરી હતી એથી મને પણ મારા અંગરક્ષકોની ખૂબ જ બીક લાગે છે. જશોદાબહેન ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના માહિતી કમિશનરને મળ્યાં હતાં અને તેમને જે આદેશ હેઠળ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એ હુકમની કાયદા મુજબની સર્ટિફાઇડ નકલો ૪૮ કલાકમાં આપવા દાદ માગી હતી.

તેમણે આ બીજી અરજીમાં  મહેસાણાના જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધીક્ષક પ્રતિવાદી દર્શાવીને આક્ષેપ કર્યો હતો કે હું વડા પ્રધાનનાં પત્ની હોવાથી મારી પહેલી અરજીનો જવાબ આપવામાં નથી આવ્યો. મેં દેશના વડા પ્રધાનનાં ધર્મપત્ની તરીકે અરજી કરી હોવા છતાં મારું અપમાન કરીને મારી અરજીના જવાબમાં મારા પતિનું નામ લખેલું નથી અને ફક્ત પિતાજીનું નામ લખેલું છે. એના પરથી પણ જાણી શકાય કે માહિતી અધિકારીને મારી સામે  ખૂબ જ વાંધો છે. જશોદાબહેને આ અરજીમાં માગણી કરી હતી કે  કાયદાની જોગવાઈ મુજબ તથા ભારતીય બંધારણ મુજબ જે હુકમથી મને રક્ષણ આપવામાં આવ્યું છે એ હુકમની સર્ટિફાઇડ નકલ અર્જન્ટમાં મને આપવામાં આવે એ જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત  પ્રોટોકૉલ મુજબ બીજી કેવા પ્રકારની સેવા મળી શકે એની તેમ જ પ્રોટોકૉલની વ્યાખ્યા વિગતવાર જણાવવાની વિનંતી પણ જશોદાબહેને આ અરજીમાં કરી છે.

વેબદુનિયા પર વાંચો