દસ દિવસના ટૂંકા ગાળામાં ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. કચ્છના ઘોરડો ખાતે યોજાનારા દેશના સાંસ્કૃતિ અને રમતગમત મંત્રીઓની પરિષદમાં હાજરી આપવા માટે પીએમ મોદી ગુજરાત આવી રહ્યાં છે. આ એક મહત્વનો કાર્યક્રમ છે. જેમાં કેન્દ્ર અને રાજ્યકક્ષાના મંત્રીઓ હાજરી આપવા આવવાના છે. પરિષદમાં ભાગ લીધા બાદ પીએમ મોદી રાત્રી રોકાણ કચ્છમાં જ કરશે. ત્યાર બાદ તેઓ ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા જશે. ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદી હાલમાં જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે બે દિવસ ગુજરાત આવ્યા હતા. ત્યારે દસ દિવસમાં ફરી એક વખત તેઓ ગુજરાત આવી રહ્યાં છે. ઘોરડોમાં યોજાનારી ત્રિદિવસીય સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ મિનિસ્ટર્સની કોન્ફ્રન્સમાં પીએમ મોદી હાજરી આપવા માટે આવવાના છે.આ કોન્ફ્રન્સમાં 30 રાજ્યના પ્રવાસન મંત્રીઓ, અધિકારીઓ તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેવાના છે. ભારતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે યોજાનારી આ પરિષદનું ઉદ્ધાટન 20 તારીખે મોદી કરશે. ત્યાર બાદ તેઓ ઘોરડો ખાતે ટેન્ટમાં રાત્રી રોકાણ કરશે. 21મીએ ખોડલધામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હી જવા રવાના થશે.