ખોવાયા છે - ભાજપનાં લાલ કૃષ્ણ અડવાણી...ગાંધીનગરમાં લાગ્યા પોસ્ટરો

ગુરુવાર, 16 એપ્રિલ 2015 (16:17 IST)
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને ગાંધીનગરના સંસદસભ્ય લાલ કૃષ્ણ અડવાણીના ફોટો સાથે ‘લાપતા/ગુમશુદા MP’ લખેલાં પોસ્ટરો ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નામે લાગતાં વિવાદ ઊઠવા પામ્યો છે.

ગુજરાતમાં BJPનું શાસન છે અને આખા દેશમાં BJP ગુજરાતને પોતાનો ગઢ માને છે ત્યારે BJPના શાસનના નાક નીચે ગાંધીનગરમાં પક્ષના વરિષ્ઠ નેતાનાં જ પબ્લિક વચ્ચેથી ખોવાઈ ગયા હોવાના કટાક્ષ સાથેનાં પોસ્ટરો લાગતાં BJPના કાર્યકરો આ પોસ્ટર કોણે લગાવ્યાં એની શોધમાં લાગી ગયા છે. ગુજરાતના પાટનગરમાં જ આ પોસ્ટર લાગતાં BJPના અગ્રણીઓ સમસમી ગયા છે. બીજી તરફ ગાંધીનગરના નાગરિકો પણ આ કટાક્ષભર્યા પોસ્ટરો જોઈને મૂછમાં હસી રહ્યા છે અને અડવાણીનાં પોસ્ટરોની ચર્ચા ટૉક ઑફ ધ ટાઉન બની ગઈ છે.

બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી છે કે ગુજરાતમાં BJPનું અસંતુષ્ટોનું ગ્રુપ છે અને આ ગ્રુપ દ્વારા લાલ કૃષ્ણ અડવાણી અને પક્ષને નુકસાન પહોંચાડવા આ પોસ્ટરો લગાવવામાં આવ્યાં હશે.

હિન્દી ભાષામાં લાગેલાં આ પોસ્ટરોમાં અડવાણીના ફોટો સાથે એમ લખવામાં આવ્યું છે કે પિછલે કઈ સાલોં સે ગાંધીનગર કે MP લાલ કૃષ્ણ અડવાણી લાપતા હૈં. હમ સભી ગાંધીનગરવાસીઓં ને કભી ઉન્હેં ગાંધીનગર મેં દેખા નહીં હૈ. હમ સભી ઉનકો મિલના ચાહતે હૈં ઔર હમારી સમસ્યાઓં કે બારે મેં બતાના ચાહતે હૈં. યદિ આપ મેં સે કોઈ ઉન્હેં ગાંધીનગર મેં દેખેં તો કૃપયા હમે સૂચિત કરેં. જય હિન્દ – જય ભારત. લિ. AAP, ગાંધીનગર.

જોકે આ પોસ્ટર બાબતે AAPના ગુજરાતના સંયોજક સુખદેવ પટેલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘AAP આ કલ્ચર નથી ધરાવતી. આ પોસ્ટર સાથે BJPને કોઈ લેવાદેવા નથી. અમે આ રીતે ચૂપચાપ પોસ્ટરો નહીં લગાવીએ.’

વેબદુનિયા પર વાંચો