કચ્છમાં 13 વર્ષથી હરાજીમાં ના ગયેલી 100 પાકિસ્તાની બોટ બીએસએફ માટે મુંઝવણ રૂપ
બુધવાર, 12 ઑક્ટોબર 2016 (15:03 IST)
પાકિસ્તાનને અડીને આવેલા કોટેશ્વર સામેના અટપટા ક્રીક વિસ્તારમાં બી.એસ.એફ.એ પકડેલી 100 મશીન બોટો ઠેર-ઠેર ખડકાયેલી પડી છે અને તેમાંથી મોટાભાગની બોટ સાવ ભંગારમાં ફેરવાઇ ગઇ છે, કેમ કે છેલ્લા 13 વર્ષથી આવી બોટો અને તેમાંથી મળેલા માલ-સમાનની નીલામી જ નથી થઇ! આ ગંભીર તથ્ય ગયા સપ્તાહે જ છેક કોટેશ્વર સામેના ચૌહાણ ક્રીક સુધી 9 ઘૂસણખોરો સાથે આવી ચડેલી પાકિસ્તાની બોટ પકડાઇ એ પછી ઉજાગર થયું છે. સિરક્રીક, હરામીનાળાથી માંડીને પીરસનાઇ, લક્કી, પબેવારી, પડાલા, જેવી અનેક ક્રીકમાંથી સમયાંતરે પાકિસ્તાની બોટ પકડાતી રહે છે. પાકિસ્તની ઘૂસણખોરી ઘૂસપેઠિયા માછીમારોની બોટની હાલત આમ પણ ખખડેલી હોય છે, એટલે અને દૂરના નાળાં-ક્રીકમાંથી છેક કોટેશ્વર સુધી લઇ આવવાની કોશિશ સફળ થતી નથી, આવી બોટ નબળી હોય, તો તૂટવાની ભીતિ રહેતી હોવાથી તેને જે-તે સ્થળે જ મૂકીને પંચનામા જેવી કાર્યવાહી બાદ કસ્ટમને સુપરત કરાતી હોય છે. સંખ્યાની રીતે સદી મારી ચૂકેલી નાપાક બોટો હવે બીએસએફ અને કસ્ટમ માટે માથાનો દુ:ખાવો બની રહી છે. બીજી બાજુ કોટેશ્વર તથા અન્ય ખાડીઓમાં ઠેર-ઠેર પડેલી આ બોટની જાળવણી કેમ કરવી એ પ્રશ્ન કસ્ટમને કાયમ પરેશાન કરી રહ્યો છે