કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:14 IST)
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને અનુસરીને ગરીબ વંચિત છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે આ રાજ્ય સરકાર સદાસર્વદા પ્રતિબદ્ધ છે, તેવો સ્‍પષ્‍ટ મત વ્‍યકત કર્યો છે.

રાજ્યમાં હવે યોજનાઓ અને જનહિત વિકાસલક્ષી કાર્યક્રમો ઇન્‍સ્‍ટીટયુશનલાઇઝડ મોડમાં અમલી બનાવ્‍યા છે તેમ તેમણે જણાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ અમદાવાદ મહાપાલિકા દ્વારા આયોજીત કાંકરિયા કાર્નિવલનો નગરજનોની વિશાળ ઉપસ્‍થિતિમાં રંગારંગ પ્રારંભ કરાવ્‍યો હતો.

તેમણે કહ્યું કે, અગાઉનું કાંકરિયા જેમણે જોયું છે તેમને બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલયથી વિશેષ અહીં કાંઇ જ નહોતું તેનો ખ્‍યાલ છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેના દ્રષ્‍ટિવંત આયોજનથી સમગ્ર કાંકરિયા પરિસરનો કાયાકલ્‍પ થયો અને કાંકરિયા કાર્નિવલ ઉત્તરોત્તર નવા આકર્ષણો સાથે જ્ઞાન સાથે ગમ્‍મતનો નગરોત્‍સવ બન્‍યો છે તે માટે તેમણે મહાનગરપાલિકાને અભિનંદન આપ્‍યા હતા.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કાળા નાણાને નાથવાની મુહિમ સાથે કેશલેસ ઇકોનોમી, ડીજીટલ ટ્રાન્‍ઝેકશન અને સર્જીકલ સ્‍ટ્રાઇકથી  જનજનમાં રાષ્‍ટ્રભાવ અને ભારત બદલ રહ હૈ ની ભાવના જગાવી છે. 


તે જ પરિપાટીએ ગુજરાતમાં પણ યુવાધનને રાષ્‍ટ્રભક્તિ માટે પ્રેરીત કરીને નશાના વ્‍યસથી મુક્ત કરવાના નિર્ણયો કર્યા છે તેની ભૂમિકા મુખ્‍યમંત્રીએ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવા પેઢીને નશાના વ્‍યસનથી બચાવવા હુક્કાબાર પ્રતિબંધ, દારૂબંધીનો ચુસ્‍ત અમલ અમે કરાવ્‍યો છે.  

તેમણે આ કાર્નિવલમાં સર્જીકલ સ્‍ટ્રાઇક થીમ આધારિત સાંસ્‍કૃતિક કાર્યક્રમ નગરજનોમાં પણ રાષ્‍ટ્રચેતના બળવત્તર બનાવશે, તેવો વિશ્વાસ વ્‍યક્ત કર્યો હતો. ૩.૮૭ કરોડ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી છે.

૭૮ લાખ લોકોએ ટ્રેન, ૫ લાખની વધુ લોકોએ બલુન સવારી કરી છે જે અહીંના આધુનિકરણનું પરિણામ છે.  એટલું જ નહીં એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, જલપરિ જેવા નજરાણા પણ અહીંયા આગવા આકર્ષણ છે. આ ઉપરાંત શહેરમાં સુખાકારી માટે લેવાયેલા પગલાની જાણકારી પણ આપવામાં આવી હતી.  

કાંકરિયાની મુલાકાતે આવનાર મુલાકાતીઓને ડીજીટલ પેમેન્‍ટનો ઉપયોગ કરવા પણ તેમણે હિમાયત કરી હતી. આ પ્રસંગે નગરજનો કાર્નિવલને માણી શકે તે માટે વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૩૧મી ડિસેમ્‍બર સુધી ચાલનારા કાર્નિવલમાં લોકોને મંત્રમુગ્‍ધ કરી શકે તેવા કાર્યક્રમો યોજાશે.

જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, લોકનૃત્‍યો, સંગીતના કાર્યક્રમો ઉપરાંત હોર્સ શૉ, ડોગ શૉ અને થીમ આધારિત કાર્યક્રમો પ્રસ્‍તુત કરાશે. આ ઉપરાંત કાર્નીવલ દરમિયાન રૉક બેન્‍ડસ, ફુડ ફેસ્‍ટિવલ, ભવ્‍ય આતશબાજી, થીમ લાઇટીંગ, લેશર શૉ જેવા વિવિધ કાર્યક્રમો  યોજાશે.

વેબદુનિયા પર વાંચો