ગુજરાત મુલાકાત વખતે જયલલિતા માટે સ્પેશિયલ 8 લાખની ખુરશી બનાવાઈ હતી.
મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (14:59 IST)
તમિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા સાથે ભાજપ અને NDAને દુશ્મનાવટ હતી, પરંતુ નરેન્દ્ર મોદી સાથે ખાસ દોસ્તી હોવાના કારણે 2007માં ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિમાં જયલલિતાએ ખાસ હાજરી આપી હતી. તે સમયે ગુજરાત આવેલા જયલલિતા પોતાની સાથે આખી ટીમ લાવ્યા હતા. તેમના માટે ખાસ ખુરશી બનાવવામાં આવી હતી. જેની ડિઝાઇન જયલલિતા દ્વારા આપવામાં આવી હતી. આ ખુરશીની કિંમત આશરે આઠ લાખ રૂપિયા જેટલી હતી. શપથવિધિમાં જયલલિતા અમદાવાદ આવ્યા ત્યારે તેમના માટે એક આખી હોટલ બુક કરવામાં આવી હતી. તેમના આગમન અગાઉ એક અઠવાડિયા પહેલાં જયલલિતાની વ્યવસ્થા માટેની એક ટીમ ચેન્નાઇથી અમદાવાદ આવી હતી. આ ઉપરાંત જયલલિતાની ટ્રાન્સપોટેશન માટેની ખાસ ગાડી પણ એક અઠવાડિયા પહેલાં અમદાવાદ આવી ગઇ હતી. આ ગાડીમાં જયલલિતાની ખુરશી ઉપરાંત તેમની વેનિટી વાન જેવી તમામ સગવડો હતી. જયલલિતાને સાંધાના દર્દની તકલીફ હતી, એટલે જ તેમના માટે સાગનાં લાકડાની બનેલી ખાસ ખુરશી ડિઝાઇન કરવામાં આવી હતી. આ ખુરશી દિલ્હીનાં તમિલનાડુ ભવનમાં મૂકવામાં આવતી. દિલ્હીની મુલાકાત દરમિયાન જયલલિતા જ્યાં-જ્યાં જાય ત્યાં આ ખુરશી સાથે લઇને જતાં હતાં. પછી તે વિજ્ઞાન ભવનમાં યોજાનારી બેઠક હોય કે પછી સંસદની લાઇબ્રેરી કે પછી રાષ્ટ્રપતિ ભવન. દિલ્હીમાં તેમની મુલાકાતનાં કાર્યક્રમો પછી આ ખુરશી પાછી તમિલનાડુ ભવન મોકલી દેવામાં આવતી.