અમદાવાદમાં યોજાનારી સભાને હાર્દિક ઉદેપુરથી વિડીયો કોન્ફરન્સથી સંબોધશે

શનિવાર, 27 ઑગસ્ટ 2016 (13:06 IST)
રાજ્યની પાટીદાર મહિલાઓ 26મી ઓગસ્ટેના પાટીદાર શહીદ દિવસે પાસના મુખ્ય કન્વીનર હાર્દિકને મળવા માટે ઉદેપુર ગઇ હતી. જ્યાં તેમણે હાર્દિકને મળીને અનામત આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે મહિલાઓ દ્વારા આગામી એકાદ મહિનામાં વડોદરા કે ગોધરા ખાતે મહાસભા કરવાનું આયોજન કર્યું હતું. ઉપરાંત આગામી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમદાવાદના નિકોલમાં મહાસભા યોજાશે અને તેને હાર્દિક ઉદેપુરથી વીડિયો કોન્ફરન્સથી સંબોધે તેવું આયોજન થઇ રહ્યું છે. જો કે આ સભાને મંજૂરી મળશે તો સમગ્ર આયોજન પાર પડશે તેમ પાસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. મહિલાઓએ આગામી એકાદ મહિનામાં ગુજરાતના વડોદરા અથવા ગોધરા ખાતે મોટું મહિલા સંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી. તેમણે અનામત આંદોલન માટે મહિલાઓ હવે વધુ સક્રિય થઇને આંદોલન કરશે તેવી હૈયાધારણા આપી હતી. આ બાબતે હાર્દિક પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મહિલાઓ મોટી સંખ્યામાં ઉદેપુર મળવા માટે આવી હતી. તેમણે મને રૂબરૂ મળીને મારો ઉત્સાહ વધાર્યો હતો. આગામી કાર્યક્રમ વિશે વાત કરતા હાર્દિકે કહ્યું હતું કે અમદાવાદના નિકોલમાં પાટીદારોની મહાસભા યોજાશે. આ સભાને તે વીડિયો કોન્ફરન્સથી અથવા તો થ્રીડી રથથી સંબોધશે. આગામી દિવસોમાં હાર્દિક ગુજરાતમાં ન હોવાછતાં ટેકનોલોજીના માધ્યમથી પાટીદાર આંદોલનને વધુ બળવત્તર બનાવવાના પ્રયાસ કરશે.

વેબદુનિયા પર વાંચો