કુછ દિન તો બિતાવો ગુજરાત મેં...લો...સ્વાઇન ફ્લૂ પરમેનન્ટ રહેવા આવી ગયો

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (17:07 IST)
કુછ દિન તો બિતાવો ગુજરાત મે વાળા ગુજરાતમાં સરકારની નિષ્ફળતાને કારણે હવે તો સ્વાઇન ફ્લૂ પરમેનન્ટ થઇ ગયો છે, છેલ્લા ઘણાં વર્ષોથી આ વાયરસ ફેલાયો હોવા છતાં સરકારે કોઇ આગોતરા પગલાં ન ભરતા આજે સ્વાઇન ફ્લૂ વકરતો જાય છે અને લોકો મરતા જાય છે, એવો આક્ષેપ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો. જ્યારે પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં વાઇબ્રન્ટ અને રણોત્સવના સરકારી મેળાવડાઓમાં આવતા વિદેશી મહેમાનોથી આ ચેપ પ્રસર્યો હોવાનું જણાવીને સરકાર પર આકરાં શાબ્દિક પ્રહારો કર્યા હતા.

વિધાનસભામાં સ્વાઇન ફ્લૂના મામલે સરકાર સામે મોરચો ખોલીને વૉકઆઉટ કર્યા બાદ વાઘેલાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસે જાન્યુઆરી મહિનામાં જ સરકારનું આ મહામારી અંગે ધ્યાન દોર્યું હતું. એટલું જ નહીં, રાજ્યપાલશ્રીને પણ રજૂઆત કરી હતી છતાંય તેના નિયંત્રણ માટે યોગ્ય પગલા ભરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં સ્વાઇન ફ્લૂ અંગે થયેલી ચર્ચા અંગે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર છેલ્લાં છ વર્ષથી ફેલાયેલા સ્વાઇન ફ્લૂના રોગને નાથવા માટે ગંભીર નથી અને ચાલુ વર્ષે પણ આગોતરા પગલાં ભરવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે સરકાર દ્વારા રાજકીય જવાબો અપાતા હોવાથી કૉંગ્રેસના તમામ સભ્યોએ વૉકઆઉટ કર્યો હતા.

દરમિયાન વિધાનસભાની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અલ્પ વિકસિત ગણાતા આફ્રિકન દેશોમાં આજે પણ વિદેશી મુસાફરોનું હેલ્થ ચેકિંગ થાય છે જ્યારે રાજ્યની સરકાર વાઇબ્રન્ટ ગુજરાત અને રણોત્સવના કાર્યક્રમોમાં મસ્ત હતી જ્યારે વિદેશી મુસાફરોનું બરોબર ચેકિંગ જ થયું નહોતું. ભારતમાં ભૂંડ પાળવાની પ્રથા નથી, પરંતુ વિદેશમાં ભૂંડ પાળવામાં આવે છે અને સ્વાઇન ફ્લૂનો વાયરસ આ ભૂંડથી સર્જાયો છે. અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાનને સ્વાઇન ફ્લૂ થયો ત્યારે રાજ્યમાં નવ લોકોનાં મોત થયા હતા પરંતુ સરકાર દ્વારા આખા રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારે તબીબોની ૪૩ ટકા જગ્યા ખાલી છે. આરોગ્ય કેન્દ્રો અને સરકારી દવાખાનાઓમાં પણ પૂરતા તબીબો નથી ત્યારે આગોતરું આયોજન કરવામાં આવ્યું જ નથી એવું તેમણે ઉમેર્યું હતું.

વેબદુનિયા પર વાંચો