સરકારને અલ્પેશનું અલ્ટિમેટમ ? - જો બેરોજગારોને નોકરી નહીં મળે તો ગામડાઓમાં ભાજપની પ્રવેશબંધી કરાશે

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:57 IST)
રોજગારીના બહાના હેઠળ યોજાતાં વાઇબ્રન્ટ ગુજરાત હવે તાયફા બન્યાં છે કેમ કે, કરોડોના મૂડીરોકાણના વચનો આપ્યા બાદ પણ આજે ગુજરાતમાં ૬૦ લાખ બેરોજગારો છે, જો કરોડોના મૂડીરોકાણ થયાં હોય તો રોજગારી ક્યાં છે તેવો મુદ્દો ઉઠાવીને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. સુરેન્દ્રનગરના હળવદમાં સરપંચ સન્માન સંમેલનમાં તેમણ એવી ચિમકી ઉચ્ચારી છેકે, જો સરકાર બેરોજગારોને રોજગારી નહી આપે તો ગામડાઓમાં ભાજપના ધારાસભ્યો,સાંસદોને પ્રવેશ નહી મળે.
ઠાકોર સમાજના ચૂંટાયેલા ૫૦ સરપંચોના સન્માન કાર્યક્રમમાં જનસભા સંબોધતા અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને નિશાન બનાવી એવો આક્ષેપ કર્યો કે,ભાજપ સરકારે બેરોજગાર યુવાઓ સાથે ઠગાઇ કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત વખતે નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની જાહેરાત બાદ સરકારે વિનવણી કરતાં આખોય કાર્યક્રમ રદ કર્યો હતો પણ સરકારે હવે ફરીથી છેતરી નહી શકે. બે લાખ યુવાઓને રોજગારી આપીશું તેવો વાયદો સરકારે આપીને લોલીપોપ આપી હતી પણ હવે સરકાર છેતરી નહી શકે. તેમણે આગામી ચૂંટણીમાં ભાજપને યુવાઓ મતદાન થકી પરચો દેખાડશે તેવુ જણાવી એવી ચિમકી ઉચ્ચારી કે,દરેક સમાજનો વિકાસનો થવો જોઇએ. દરેકની સમસ્યાનુ નિરાકરણ થવું જોઇએ નહીંતર સરકારને ઉખાડીને ફેંકી દઇશું.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતને વ્યસનમુક્ત બનાવવામાં ઠાકોરસેનાની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે દારૃબંધીનો પોલીસે-સરકારે કડકપણે અમલ કરાવવો પડશે. દારૃબંધી જો કાગળ પર રહી તો ફરી ઠાકોરસેનાએ મેદાને આવવું પડશે. હળવદમાં સરપંચ સન્માન સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો