વિજ્ઞાન મેળો - સુરતમાં 206 માનવ હાડકાં, બે માથાવાળું બાળક રજુ કરાયું

મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (17:09 IST)
સુરત સહિત રાજ્યભરમાં શાળા અને કોલેજકક્ષાએ સમયાંતરે યોજાતા વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થીઓ અવનવા મોડલ રજૂ કરે છે. જોકે, તે સામે સુરતના જિલ્લાકક્ષાના વિજ્ઞાનમેળામાં વર્કિંગ મોડલની સાથે જ પ્રથમ વાર અવનવા આકર્ષણો જોઇને વિદ્યાર્થીઓ દંગ રહી ગયા હતા. જેમાં માનવશરીરનાં 206 હાડકાં, બે માથાવાળું બાળક અને હાથમાં સળગતા દીવડા જોઇને વિદ્યાર્થીઓની આંખો પહોળી થઇ ગઇ હતી. વિજ્ઞાનમેળામાં પ્રથમ વખત ઓરિજિનલ માનવઅંગો મુકાવાની સાથે જ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિદ્યાર્થીઓએ જ હાથમાં દીવા સળગાવવા, ડાકણ કાઢવા સહિતના પ્રયોગો કર્યા હતા.

વિજ્ઞાનમેળામાં 108 શાળાઓએ ભાગ લીધો હતો અને વિજ્ઞાન પર આધારિત 13૦ મોડલ રજૂ કરાયા હતા.જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ૫૨માં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન બારડોલીના બાબેન ખાતેની વસિષ્ઠ જેનેસિસ સ્કૂલમાં કરાયું છે. જેમાં કડોદરાની સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને માનવશરીર અંગે વધુ ને વધુ જાણકારી મળી રહે એ માટે લિવર, કિડની, બ્રેઇન, હાર્ટ, લંગ્સ, સ્પ્રીન સહિતના અંગોનું પ્રદર્શન કરાયું હતું. પ્રદર્શનમાં નાના-મોટા આંતરડા, નાની-મોટી, અર્ધવિકસિત, વિકસિત એમ જુદા જુદા પ્રકારની માનવખોપરી પણ રજૂ કરાઇ હતી. જ્યારે માથાથી લઇ પગના તળિયા સુધીના માનવશરીરના 206 ઓરિજિનલ હાડકાં, માનવશરીરની જાણકારી આપતો ચાર્ટ, વિવિધ કેન્સરની ગાંઠ મુકાઇ હતી.આ સિવાય કોલેજને 9 વર્ષ પહેલાં દાનમાં મળેલ બે માથાવાળા બાળકનું શબ પણ મુકાયું હતું. આ એબનોર્મલ બાળક જન્મથી જ બે માથાવાળું હતું. તેના મૃત્યુ પછી તેનું શબ કોલેજને દાનમાં અપાયું હોવાનું કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડો. દર્શન શાહે જણાવ્યું હતું. વળી, અંધશ્રદ્ધાને ડામવા માટે સત્યશોધક સભાના સિદ્ધાર્થ દેગામી દ્વારા 15 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ અપાઇ હતી. આ 15 વિદ્યાર્થીઓએ જ 5૦ જેટલા પ્રયોગો કરીને અન્ય વિદ્યાર્થીઓમાં જાગૃતિના પ્રયાસો કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ જ હાથમાં દીવડા સળગાવ્યા હતા. તાંત્રિકો, ઢોંગીઓ દ્વારા થતા કંકુના પગલાં પાડવા, નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, લોટામાંથી ભૂત પકડવું, નજરબંધી, કર્ણપિશાચી વિદ્યા, બોટલમાંથી પાણી પડતું અટકાવવું જેવા પ્રયોગો કર્યા હતા.  

વેબદુનિયા પર વાંચો