વનવિભાગની પરિક્ષામાં પણ મોદી પ્રેમ ? મોદીને લગતા પ્રશ્નો પુછાયા

સોમવાર, 10 ઑક્ટોબર 2016 (13:14 IST)
રાજ્યના વનવિભાગ દ્વારા 1484 ખાલી જગ્યાઓ માટે રવિવારે જિલ્લા મથકો પર પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાંથી 7 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. 100 પ્રશ્નના પેપરમાં 40 ટકાથી વધુ પ્રશ્ન વન સંબંધિત પુછવામાં આવતા ઉમેદવારો મુંઝાઈ ગયા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિને કેટલા દિવાનું પ્રાગ્ટય થયું? જીએસટીનું આખું નામ, સૌની યોજનાનું પુરૂં નામ, વિધાનસભાનાં અધ્યક્ષ કોણ? રીયો પેરાઓલેમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ? આરબીઆઈના નવા ગવર્નર કોણ છે? સહિતનાં સવાલ પુછવામાં આવ્યા હતા. માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ‘નમો પેન ’ આપવામાં આવતા બબાલ થઈ હતી. પેન પર વડાપ્રધાન મોદીનો ફોટો છપાયેલો હતો અને ભાજપનું ચૂંટણી ચિન્હ કમળની સાથે આઈ લવ મોદી પણ લખ્યું હતું. તે સમયે અમદાવાદની એક સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું હતું કે, 'તેમને નમો પેનના 5 થી 10 પેકેટ મળ્યા હતા, બધા જ પેકેટમાં પાંચ પેન હતી. દરેક પેનની સાથે એક પત્ર પણ છે જેમાં લખ્યું છે કે પેન બોર્ડ પરીક્ષા આપનાર બાળકોએ કંપનીના તરફથી ભેટ છે. તો બીજી તરફ ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ગુજરાતીના પેપરમાં 'જો હું વડાપ્રધાન હોવ તો...', સ્વચ્છતા ત્યાં પ્રભૂતા, ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર જેવા નિબંધ પૂછાયા હતા તો અંગ્રેજીમાં ગ્લોબલ વોર્મિગ અંગેનો નિબંધ પૂછાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને જ આવા પ્રશ્નો પૂછાયા હોવાની ચર્ચા તે સમયે ચાલી હતી.

વેબદુનિયા પર વાંચો