વિઘાનસભાનો રોજનો ખર્ચ રુ.5.10લાખ

સોમવાર, 14 માર્ચ 2016 (16:37 IST)
વિધાનસભા સત્ર દરમિયાન એક દિવસની બેઠક પાછળ થતા ખર્ચના આંકડા ચોંકાવી મુકે તેવા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાનો પ્રતિદિનનો ખર્ચ રૂ. 5.10 લાખ જેટલો આવે છે.

દેશની લોકસભાનું સત્ર મળે ત્યારે તેની બેઠકનો ખર્ચ પ્રતિદિન રૂ. 66 લાખ થવાનો અંદાજ એક અભ્યાસમાં બહાર આવ્યો છે. આમ એક કલાકનો ખર્ચ 11,10,000 રૂ. અને એક મિનિટનો ખર્ચ 18,500 રૂ. થાય. એ જ રીતે ગુજરાત રાજ્યની વિધાનસભાની બેઠકનો ખર્ચ કેટલો થાય છે, તેના આંકડા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરાયા નથી, પરંતુ, વિધાનસભામાં વર્ષો સુધી સેવા આપનાર ઉચ્ચ અધિકારીએ તેમના અભ્યાસમાં તારવ્યા મુજબ ખર્ચના જે આંકડાઓ બહાર આવ્યા છે, તે ચોંકાવી મુકે તેવા છે.

ગુજરાત વિધાનસભાના વર્ષ 2001-02 ના સત્રમાં એક દિવસની બેઠકનો ખર્ચ રૂ. 5.10 લાખ છે, જેમાં પ્રત્યેક ધારાસભ્ય પાછળનો ખર્ચ રૂ. 4500 જેવો થાય છે. આ ખર્ચમાં માત્ર વિધાનસભા સત્ર ચાલતું હોય ત્યારે બેઠકો મળે છે, તે સમયનો ખર્ચ જ આવર્યો છે. આમાં ધારાસભ્યો અને પ્રધાનોને મળતા પગારનો સમાવેશ થતો નથી. ગુજરાત વિધાનસભામાં 1960-61 ની સાલમાં સત્ર દરમિયાન એક દિવસનો ખર્ચ માત્ર રૂ. 7,393 હતો અને પ્રત્યેક ધારાસભ્યદીઠ માત્ર રૂ. 64.28 પૈસાનો ખર્ચ થતો હતો.

લોકસભામાં ગૃહની બેઠક સમયે થતા ખર્ચની વિગતો સત્તાવાર રીતે જાહેર કરાઇ છે, પણ વિધાનસભાઓમાં થતા ખર્ચની વિગતો જાહેર કરાતી નથી. ગુજરાત વિધાનસભામાં સત્ર સમાપ્તિના સમયે કાર્યવાહીની ઝીણામાં ઝીણી વિગતો આપવામાં આવે છે, પણ ખર્ચના આંકડાઓ આપવામાં આવતા નથી. અત્રે ઉલ્લેખનીય છે, કે ધારાસભ્યોના પગારભથ્થા પાછળ 1960-61 માં રૂ. 40,66,07 નું ખર્ચ થતું હતું, જે 2001-02 માં રૂ. 3,40,00,000 થવા જાય છે.

વેબદુનિયા પર વાંચો