નર્મદા પર દેશના સૌથી લાંબા 1344 મી. બ્રિજનું પીએમ મોદી લોકાર્પણ કરશે

શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (12:21 IST)
ગુજરાત સહિત દેશ માટેનાં મહત્વપૂર્ણ એવા ત્રણ પ્રોજેકટનાં લોકાર્પણ પ્રસંગે નવા વર્ષ 2017 નાં પ્રારંભે જ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં  વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમ વખન નરેન્દ્ર મોદી ભરૂચ, કેવડિયા અને દહેજની મુલાકાતે આવે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ એવા સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઇ 138 મીટર વધારવા સાથે 30 દરવાજા લગાવવાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે. ડેમ મુખ્ય ઇજનરે પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે, ડિસેમ્બરનાં અંત સુધીમાં ડેમની ઊંચાઇ વધારવાની તમામ કામગીરી પૂર્ણ થઇ જશે.

નર્મદા નદી પર 1344 મીટર લાંબા રૂપિયા 379 કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહેલા દેશનાં સૌથી લાંબા કેબલ સ્ટેઇડ (એકસ્ટ્રા ડોઝ) બ્રિજની કામગીરી 87 ટકા પૂર્ણ થઇ ગઇ છે તેમ એન.એચ.એ.આઇ. નાં પ્રોજેકટ મેનેજર એસ.પી. શર્માએ જણાવ્યું હતું. એલ એન્ડ ટી દ્વારા નિર્માણ થઇ રહેલા અતિ મહત્વનાં આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થવાની સમય અવધી નક્કી કરાઇ હતી. ટ્રાફિક જામ અને ચોમાસાની મૌસમમાં પણ કામગીરી પર અસર થતા જાન્યુઆરીનાં અંત સુધી બ્રિજનું કામ પૂર્ણ થઇ જાય તેવી હાલ શકયતાઓ વ્યકત કરાઇ રહી છે.
ભરૂચના દહેજ ખાતે આશરે 30,000 કરોડ રૂપિયાના ખર્ચથી ઓપેલનો પ્લાન્ટ આવી રહયો છે આ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્રણેય પ્રોજેકટ અતિ મહત્વનાં હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ થાય તેવી શકયતાઓ છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થાય તે માટે મેરીટાઇમ બોર્ડને 117 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરાઇ છે. નર્મદા ડેમના દરવાજા, કેબલ સ્ટેઇડ બ્રિજ અને ઓપેલનાં ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદીનું આગમન થશે

વેબદુનિયા પર વાંચો