ગુજરાતમાં સુરત અને વડોદરામાં રદ નોટોના બંડલો પાછળ પોલીસ દોડતી થઈ

મંગળવાર, 15 નવેમ્બર 2016 (14:08 IST)
ગઈ કાલે મોડી સાંજે નહેરૂબ્રિજ પરથી કોઈ ટીખળખોરે એક બોક્સ પેક કરીને તાપી નદીમાં ફેંકી દીધું હતું. લોકોએ જેમાં 500-1000ની રદ કરાયેલી નોટો હોવાની વાત વહેતી મૂકી દીધી હતી, જેથી બ્રિજ પર લોકોની ભારે ભીડ જામી હતી. રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા બાદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.  બ્રિજની વચ્ચેના ભાગે પડેલા આ બોક્સને બહાર કાઢવા માટે ફાયરના લાશ્કરોને ખાસ્સો સમય લાગ્યો હતો. કેટલાક લોકોએ ‘બંડલો લૂંટો લૂંટો’ જેવી બૂમો પાડીને ફાયરની કામગીરીમાં અવરોધ પણ ઊભો કર્યો હતો. જોકે ફાયરના જવાનોએ આ બોક્સ પોલીસને સુપરત કરી દીધું હતું. રાંદેર પોલીસ સ્ટેશનમાં આ બોક્સને ખોલાતાં તેમાંથી માત્ર મેડિકલના વેસ્ટેજ કાગળો નીકળ્યાં હતાં. તો બીજી બાજુ ન્યાય મંદિર પાસે સવારના સમયે બિનવારસી હાલતમાં પાર્ક કરેલી કારમાં 500-1000ની નોટ હોવાની અફવાથી પોલીસ દોડતી થઈ હતી. સ્થળ ઉપર જઈ તપાસ કરતાં તેમાંથી ઘરવખરીનો સમાન મળી આવ્યો હતો. કારના મોલિકની પોલીસ શોધખોળ કરી રહી છે. શહેરનાં ન્યાયમંદિર પાસે આજે વહેલી સવારે એક બિનવારસી હાલતમાં પાર્ક કરેલી જીજે-6 બીએ- 8062 નંબરની ઈન્ડિકા કાર મળી આવી હતી. જેમાં રાખેલા એક પોટલામાં રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો હોવાની અફવા ફેલાયી હતી. જે અંગે અહીંથી પસાર થતા નાગરિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. રાવપુરા પોલીસે કારનો કબજો લઈ માલિકની શોધ કરી હતી.

વેબદુનિયા પર વાંચો