સુરતના નવા "મી.નટવરલાલ" ભજિયાવાલાની ૬૫૦ કરોડની મિલકત,ચાવાળો પીએમ બની શકે, તો ચાવાળો પૈસા પણ કમાઈ જ શકે ને!

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (16:25 IST)
સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાની ચોટાબજાર  સ્થિત બંધ દુકાનમાંથી ઇન્કમટેક્સ વિભાગને ૧૨૫ કિલોના ચાંદીના વાસણો અને કરોડો રૃપિયાના શેરબજારમાં રોકાણના બેગ ભરીને શેર સર્ટીફીકેટો મળી આવ્યા છે.  છેલ્લા પાંચ દિવસથી ચાલતી તપાસમાં ઇન્કમટેક્સની ટીમને કુલ રૃા.૬૫૦ કરોડની સંપત્તિ હાથ લાગી છે.  સુરતમાં ચા વેચીને પોતાની જીંદગીની શરૃઆત કરનાર ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં તા.૧૩ ડિસેમ્બરથી ચાલી રહેલી સર્ચની કામગીરીમાં એક પછી એક રહસ્યો અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

 શનિવારે તેની ચૌટાબજાર ખાતે આવેલી બંધ દુકાનમાં મોડી રાત્રે ઇન્ક્મટેક્સ વિભાગ પહોંચી ગયું હતું. આ બંધ દુકાનમાંથી ૧૦ ટન મોટી એક લોંખડની તિજોરી મળી આવી હતી.આ તિજોરી ભજીયાવાલાના મોટા દિકરા જિજ્ઞોશની હાજરીમાં ખોલવામાં આવી હતી. તિજોરીમાં મુકેલા ૧૨૫ કિલોના ચાંદીના વાસણો મળી આવ્યા હતા. આ સાથે જ ભજીયાવાલા અને તેના પરિવારના સભ્યોના નામે શેરબજારમાં કરોડો રૃપિયાના રોકાણના બેગ ભરીને શેર સર્ટીફીકેટો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય મિલ્કતોના દસ્તાવેજો અને એગ્રીમેન્ટ પણ હાથ લાગ્યા છે. ઇન્ક્મટેક્સ વિભાગ દ્વારા મળી આવેલા દસ્તાવેજોના આધારે એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
ઇન્ક્મટેક્સના સુત્રોના જણાવ્યા મુજબ પાંચ દિવસની તપાસમાં ફાયનાન્સરને ત્યાંથી સુરત ઉપરાંત નવસારી, વલસાડ, અમદાવાદ, અને તેના વતન અમરેલી, સૌરાષ્ટ્ર તથા મુંબઇમાં રૃા.૬૫૦ કરોડથી પણ વધુ કિંમતની અલગ-અલગ ૩૫૦ જેટલી મિલ્કતોના દસ્તાવેજો મળ્યા છે. આ તમામ મિલ્કતો પર ઇન્કમટેકસની ભરપાઇ કરવામાં આવી છે કે નથી ? તેની હવે તપાસ શરૃ કરવામાં આવી છે.આગામી દિવસોમાં આ ૬૫૦ કરોડનો આંકડો વધવાની શકયતા અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે. આજે રવિવારે તપાસે બ્રેક લીધો હતો.
 અત્યાર સુધીની તપાસમાં કિશોર ભજિયાવાલાને ત્યાંથી શું-શું મળ્યું ?
* ૧૫ કિલો સોનું (સોનીની ઇંટ તથા બિસ્કીટ)
* ૧ કિલો ડાયમંડ જવેલરી 
* ૩૦૭ કિલો ચાંદી
* રૃ.૨૦૦૦ની ૧.૦૬ કરોડની નવી નોટ
* રૃ.૨૩ લાખની જુની નોટ
* રૃ.૫, ૧૦, ૨૦ની રૃા.૧૦ લાખની નોટો
* રૃ.૪.૫૦ લાખના કિસાન વિકાસ પત્રો
* સુરત પીપલ્સ, બેંક ઓફ બરોડા, એચ.ડી.એફ.સી બેંકમાં અંસખ્ય ખાતાઓની પાસબુકો
* ચૌટાબજારની દુકાનમાંથી એક બેગ ભરીને શેર સર્ટીફીકેટો

વેબદુનિયા પર વાંચો