રિલાયન્સના FCC પ્લાન્ટમાં અાગઃ સાત કામદારો ગંભીરપણે દાઝ્યા

ગુરુવાર, 24 નવેમ્બર 2016 (14:09 IST)
જામનગરના ખાવડી નજીક આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એફસીસી પ્લાન્ટમાં ગઈ મોડી રાતે અચાનક જ આગ ફાટી નીકળતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આગમાં કુલ સાત કામદારો ગંભીરપણે દાઝી જતાં તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં બે કામદારનું સારવાર મળતા પહેલાં જ મોત થયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  જામનગરના ખાવડી નજીક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ એફસીસી પ્લાન્ટમાં હિટ વધી જવાના કારણે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગની વિક્રાળતા જોતા કામ કરી રહેલા કામદારોએ ભયના કારણે ભારે દોડધામ કરી મૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં પ્લાન્ટમાં કામ કરી રહેલ શિવજી ચૌહાણ, શામજી પડેલ, તેજીલાલ ઠાકુર, બદ્રીલાલ ડાંગી, નરેન્દ્રસિંહ, પુષ્પેન્દ્ર પાંડુકુમાર અને અમરતલાલ ડાંગી ગંભીરપણે દાઝી જતાં તમામને સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકનું મોત થયું હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના કાફલાએ સાધનસમગ્રી સાથે તાબડતોબ પ્લાન્ટ પર પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી. અાગ લાગવાના કારણે મોટાભાગના કામદારો પ્લાન્ટની બહાર દોડી ગયા હતા. પોલીસે આ અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો