ઠાકોર સેનાની જીત, સરકારે ઝુકીને દારૂબંઘીનો કડક કાયદો લાવવાની ખાતરી આપી
ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનાએ કરેલા મહાસંમેલનમાં સરકારે સંગઠનની વાત સ્વીકારવી પડી છે. રાજ્યમાં ચાલતા દારૂના ધંધા સામે સરકારની કડક નીતિના અમલીકરણ માટે અલ્પેશ ઠાકોરે સરકાર સામે બાંયો ચડાવી છે, ઉપરાંત રાજ્યમાં ખાનગી કંપનીને આપેલી જમીન સામે રોજગારીના પ્રશ્નોની પણ રજૂઆત કરી છે. નશાબંધીના કાયદાને કડક બનાવવાની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ અને ઓએસએસ એકતા મંચ દ્વારા ગાંધીનગર ખાતે મહાસભા યોજાઈ ગઈ. સવારના 10 વાગ્યાથી શરુ થયેલા આ સભામાં સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લઈ અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ સરકાર પર દબાણ ઉભું કર્યું હતું કે જ્યાં સુધી દારૂબંધીના કાયદાને કડક બનાવવાની જાહેરાત સરકાર નહીં કરે ત્યાં સુધી કોઈ ઉભું નહીં થાય. જેના અંતે સરકારે ઠાકોર સમાજની માંગ સામે નમતું જોખ્યું અને રવિવારની સાંજના 7 વાગ્યાની આસપાસ જાહેરાત કરી કે આગામી બજેટ સત્રમાં દારુબંધીના કાયદાને કડક બનાવીને પસાર કરવામાં આવશે.