અમદાવાદ શહેરમાં ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક 9 ટન સોનાની આયાત
ગુરુવાર, 3 નવેમ્બર 2016 (12:14 IST)
ઓક્ટોબર મહિનાના અંતમાં ભારતમાં સોનું ખરીદવાના શ્રેષ્ઠ તહેવાર ગણાતા દિવાળીના પગલે સોનાની આયાતમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનામાં અમદાવાદ એરકાર્ગો કોમ્પલેક્સ ખાતે ૯ ટન સોનાની આયાત નોંધાઇ હતી, જે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાની કુલ ૮.૫૨ ટન આયાત કરતાં પણ વધુ છે. અમદાવાદ એરકાર્ગો કોમ્પલેક્સની કસ્ટોડિયન કંપની જીએસઇસી લિ.ના આંકડા મુજબ, અગાઉ જાન્યુઆરી ૨૦૧૬માં એરકાર્ગો કોમ્પલેક્સ ખાતે ૯.૪૨ ટન સોનાની આયાત નોંધાઇ હતી. ત્યારબાદ સોનાની આયાતમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ માત્ર ૮.૫૨ ટન સોનાની આયાત નોંધાઇ હતી. જોકે, દિવાળીના તહેવારના કારણે જ્વેલર્સની માંગમાં વૃદ્ધિ જોવા મળી હતી અને પરિણામે ઓક્ટોબર મહિનામાં ૯.૨૦ ટન સોનાની આયાત નોંધાઇ હતી.ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમદાવાદ ખાતે માત્ર ૩.૦૬ ટન સોનાની આયાત નોંધાઇ હતી, જે ઓક્ટોબર ૨૦૧૪માં ૨૪ ટન જેટલી ઊંચી હતી. જોકે, ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં કુલ માત્ર ૧૭.૭ ટન સોનાની આયાત થઇ છે, તે જોતાં ઉદ્યોગના સૂત્રો એવી આશંકા વ્યક્ત કરે છે કે ચાલુ નાણાંકીય વર્ષની સોનાની કુલ આયાત છેલ્લાં કેટલાક વર્ષોમાં સૌથી નીચી રહી શકે છે. જ્વેલર્સ એસોસિયેશન, અમદાવાદના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે, “જ્વેલર્સે અગાઉ ખાસ સ્ટોક કર્યો નહીં હોવાથી ઓક્ટોબર મહિનામાં દિવાળીના વેચાણની અપેક્ષાએ જરૂરિયાત મુજબના જ ઓર્ડર આપ્યા હતા.