ભારત દેશમાં જાસૂસીના કેસનો રેશિયો ગુજરાતના કચ્છમાં સૌથી ઉંચો
બુધવાર, 2 નવેમ્બર 2016 (14:12 IST)
તાજેતરમાં જ ભુજમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં બે નાપાક એજન્ટો અલાના સમા અને શકુર સુમરાને એટીએસ દ્વારા પકડી લેવામાં આવ્યા, જેના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા, રિમાન્ડ પૂરા થતાં તેને પાલારા જેલહવાલે કરવામાં આવ્યા. આ બાબતે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકર ધોળકિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 1980ના દાયકાથી જાસૂસીના કેસો કચ્છમાં થઇ રહ્યા છે, દેશમાં આવા બનાવોનો રેશિયો કચ્છમાં સૌથી વધુ છે, ત્યારે આવા કેસ માટે કાયદો કડક બને તે જરૂરી છે. 1923માં ઘડાયેલા કાયદાઓમાં હાલના સમય પ્રમાણે ફેરફાર કરવા જરૂરી છે, જેમ કે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વિના રાજ્ય સરકાર અદાલતમાં ફરિયાદ દાખલ ન કરી શકે ને જો કરે તો કોર્ટ સ્વીકારે નહીં, તેની જગ્યાએ જો રાજ્ય સરકારને જ ઓથોરિટી આપી દે, તો મંજૂરી માગવાનો સમય જાય નહીં. તેમના જણાવ્યા અનુસાર એવા બનાવ પણ બન્યા છે કે, ઘણી વખત સેન્શન પ્રોસેસ લાંબી હોવાના કારણે મંજૂરી આવે ત્યાં સુધી આરોપી છૂટી પણ જાય, આટલા સમયમાં પુરાવાઓનો નાશ થઇ જાય અથવા પુરાવા કે પંચ ગુજરી જવાથી કેસ નબળો થઇ જાય, બીજું સહ આરોપીને સજા કરવા માટે પોલીસે નિવેદન લીધું હોય, તો તે સ્વીકાર્ય નથી. ખરેખર સહ આરોપી પાસેથી ઘણી માહિતી મેળવી શકાય છે.