ગધેડાને ‘ગધેડો’ સમજવાની ભૂલ ના કરો

શનિવાર, 22 નવેમ્બર 2014 (17:57 IST)
હજી તો ગણતરીના દિવસો પસાર થયા છે એ અદ્ભુત સમાચાર આવ્યાને! ગુજરાતીઓએ ખુશ થવાનું એટલે છે કે ગધેડાની મદદથી કરાતી સારવાર પદ્ધતિ જે લગભગ પચાસના દશકથી ઈંગ્લૅન્ડમાં અને હળવે પગલે વિશ્ર્વભરમાં સ્વીકારાયેલી ડોન્કી આસિસ્ટેડ થેરેપી હવે ભારતમાં પહેલી જ વાર અને તે પણ ગુજરાતના અમદાવાદમાં શરૂ કરાઈ હોવાના સમાચાર અખબારોમાં હતા. આ થેરેપી યુકેમાં બહુ જ પ્રચલિત છે અને ત્યાં ઠેર ઠેર ઉપલબ્ધ છે. વળી યુકેમાં તો અનેક ડોન્કી સેન્ક્ચ્યુઅરી છે. દરેક ઠેકાણે તેમાં સંશોધનો અને પ્રયોગો ચાલતા રહે છે.

યુકેમાં આવી ડોન્કી સેન્ક્ચ્યુઅરીના તારણો ઉપરાંત સફળ પ્રયોગો બાદ અપાતી સારવારથી પુરવાર થયું છે કે મંદબુદ્ધિના બાળકોના વ્યવહારમાં ખાસ્સો ફરક પડે છે એટલું જ નહીં પણ ગધેડા સાથે રહેવાથી વૃદ્ધો તેમની એકલતા-નિરાશા ભૂલી જઈ આનંદમાં રહેવા લાગે છે. અમદાવાદમાં એક ડોન્કી સેન્ક્ચ્યુઅરી બહુ વખતથી અસ્તિત્વ ધરાવે છે એની કેટલા લોકોને ખબર છે?

માત્ર અને માત્ર મજૂરીના કામ માટે ઉપયોગમાં લેવાતું અને વેજિટેરિયન-ડોમેસ્ટિક અને તુચ્છ, પામર, અપમાનાસ્પદ કહેવાતું ચોપગું આ પ્રાણી ખરા અર્થમાં બહુ જ સંવેદનશીલ છે. એ તમારી લાગણી-ભાવનાને પારખે-ઓળખે છે. અંગ્રેજો તો એને કૂતરાં જેટલું વફાદાર કહે છે. વળી એ સંશોધનોથી પુરવાર થયું છે, માટે મનમાં એક ગાંઠ વાળો કે ચીઢમાં કે ગુસ્સામાં કે અણગમાથી કે મસ્તીમાં પણ કોઈને ‘ગધેડો’ નહીં કહો... નહીં તો એનો મોભો વધી જશે! લગભગ બે દશકના સંશોધનો અને પ્રયોગો પછી અમદાવાદમાં સારવાર માટેનો આ પ્રોજેક્ટ શરૂ થયો છે તે આવકારદાયક બાબત છે. સંશોધન પ્રમાણે ગધેડો શ્ર્વાન જેટલો જ પ્રેમાળ છે. તેની હૂંફથી વૃદ્ધોને એકલતાનો અહેસાસ હળવો બને છે. વિદેશમાં તો માનસિક રીતે ‘ખાસ’ બાળકોને ગધેડાના સહવાસમાં રાખીને તેમના કોન્ફિડેન્સમાં વધારો થતો હોવાનું જોવા મળ્યું છે.

જોકે આપણે ગધેડાને જોઈને ઝાઝો પ્રતિભાવ આપવાનું ટાળીએ છીએ અને કદાચ પ્રતિભાવ આપવો પડે તો તે અપમાનજનક, તુચ્છકારદાયક કે અણગમાનો હોય...‘ગધેડા જેવો છે!’ કહેતા તો કહી દેવાય છે, પણ ખરેખર આપણે ગધેડા વિશે શું જાણીએ છીએ? અંગ્રેજીમાં ડોન્કી કહેવાતા ગધેડાને ઍસ (સ્પેલિંગ: એડબલએસ) પણ કહેવાય છે, એનો એક અર્થ બેવકૂફ-મૂર્ખ પણ છે. એનું જાતિ અનુસારનું નામ છે ઈક્વસ આફ્રિકનસ એસિનસ, એ ઘોડાઓના કુટુંબનું ડોમેસ્ટિક પ્રાણી છે. ગધેડાંના વડવા એવા જંગલી ગધેડાઓ જેમને આફ્રિકન વાઈલ્ડ ઍસિસ, ઈ. આફ્રિકનસ કહેવાય છે.

વિશ્ર્વભરમાં ચાર કરોડથી વધુ ગધેડા છે અને તેમાંના મોટા ભાગનાં પ્રાણી અન્ડરડેવલપ્ડ-ઓછા વિકસેલાં રાષ્ટ્રોમાં છે એવું એક આંતરરાષ્ટ્રીય તારણ છે, જ્યાં આ પ્રાણીને મુખ્યત્વે ભારવહન કરનારા પ્રાણી તરેક ઉપયોગમાં લેવામાં આવે છે. એ દેશોમાં શ્રમ માટે વપરાતા ગધેડાનો સંગાથ કે સહવાસ મોટાભાગે નિમ્ન વર્ગના કે જીવવા માટે સતત મજૂરી કરતા લોકો સાથે રહેલો છે. ડેવલપ્ડ કે વિકસિત રાષ્ટ્રોમાં ઓછી સંખ્યામાં ગધેડાઓને બ્રિડિંગ-પ્રજનન માટે અથવા શ્ર્વાનની જેમ પાળતું પ્રાણી તરીકે રાખવામાં આવે છે.

યુરોપ-અમેરિકા-બ્રિટન વગેરે દેશોમાં નર ગધેડાને જૅક કહેવાય છે તો માદાને જૅની અથવા જૅનિફર અને બચ્ચાંને ફોઅલ કહે છે. ક્યાંક માદાને જેનેટ કહે છે. એક પ્રકાર છે ખસી કરી નાખેલા ગધેડાનો જેને ગેલ્ડિંગ કહે છે. આપણે તો નરને ગધેડો અને માદાને ગધેડી અને બચ્ચાંને ખોલકું કહીએ છીએ. ખચ્ચર જન્માવવા માટે જૅક ગર્દભોનો માદા ઘોડી સાથે સહવાસ કરાવાય છે.

ડોન્કીનો વર્કિંગ એનિમલ તરીકે લગભગ ૫૦૦૦ વર્ષથી ઉપયોગ કરવામાં આવે છે. જંગલી ગધેડાઓને ઘણું કરીને ઈજિપ્ત અથવા મેસોપોટેમિયામાં ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલા ૩૦૦૦ વર્ષના ગાળામાં એટલે કે લગભગ ૩૦૦૦ બીસીમાં પાલતુ કે ડોમેસ્ટિક પ્રાણી બનાવાયા હોવાનું માનવામાં આવે છે, ત્યાર બાદ ગધેડાને પાલતુ બનાવી મજૂરીના કામ કરાવવાનો ચાલ વિશ્ર્વભરમાં ફેલાયો હતો. આજે પણ ગધેડા તેમની ભારવહન કરવાની ભૂમિકા ‘સુપરે અને ફરિયાદ’ વગર ભજવે છે. વળતરમાં શું? તો આપણે ત્યાં માલિક ચરવા-ખાવા માટે તેમને મોટાભાગે રખડતાં મૂકી દે છે. અન્ય દેશોમાં બકાયદા તેમને ખવડાવવામાં-પોષવામાં આવે છે. પાલતુ બનાવાયેલા ગધેડાની જાતિની વસતીમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો એમ આફ્રિકન વાઈલ્ડ ઍસ-જંગલી ગધેડાની જાતિ નાશવંત બનવાને આરે આવી પહોંચી છે. એ વળી નવો મુદ્દો છે.

ગધેડો એવું પ્રાણી છે જે કોઈ પણ પરિસ્થિતિ, વાતાવરણ, મોસમ, પ્રદેશ, હવા-પાણી-શાકાહારી ખોરાક સાથે તડજોડ કરી લેવાની શક્તિ ધરાવે છે. ગધેડાનું આયુષ્ય ૩૦થી ૫૦ વર્ષનું માનવામાં આવે છે. જોકે સૂકાં પ્રદેશમાં ગધેડા વિશાળ જનાનખાનું કે હારેમ ધરાવતા નથી. તેમનું ભૂંકવું વીસ સેકેન્ડ જેટલું લાંબુ હોય છે અને તે લગભગ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાય છે, એમ કરીને એ વિશાળ વિસ્તારમાં અથવા રણપ્રદેશમાં જૂથના અન્ય ગધેડાનો સંપર્ક કરી શકે છે. તેનાં લાંબા કાન બહુ દૂરનો અવાજ પકડી શકે છે એ સાથે તેનું લોહી શીતળ રાખવામાં મદદ મળે છે. ગધેડો કરડીને, આગલા બે પગની ખરી વડે તથા પાછલા પગની જોરદાર લાત મારી પોતાની જાતનો બચાવ કરી શકે છે. ગધેડો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

ગધેડા પાસે તમે ધારો એ કરાવી શકતા નથી. ગધેડો જીદ્દીપણા માટે કુખ્યાત છે. જોકે માણસ સાથે કાચી દોસ્તી અને શિકાર બનવાથી બચવાની પશુ સહજ વૃત્તિ તેને જીદ્દી બનાવે છે. એક વાર વ્યક્તિ એની સાથે પાકી દોસ્તી કરી લે અને એ ગધેડાનો વિશ્ર્વાસ જીતી લે પછી ગધેડો તેનો ગજબનો જોડીદાર બની શકે છે અને કામમાં ભરોસાપાત્ર પણ રહે છે. આપણે અડિયલ બની ગયેલી વ્યક્તિને ‘ગધેડા જેવો જડ’ કે ‘ગધેડા જેવો જીદ્દી’ કહીએ જ છીએ. આમ તો ગધેડાની વર્તણૂક વિશે ઝાઝો અભ્યાસ થયો નથી, પણ જે અભ્યાસ થયો તેમાં ગધેડો શાંત, ઈન્ટેલિજન્ટ, સાવધ, મૈત્રીપૂર્ણ, રમતિયાળ અને શીખવા માટે તત્પર હોવાનું તારણ નીકળ્યું છે. પશ્ર્ચિમની સંસ્કૃતિમાં સાહિત્યમાં ગધેડાનું આગવું સ્થાન છે, બાઈબલમાં તેનો ઉલ્લેખ છે. સ્પેનિશ લેખક ડૉન મિગલ દ સર્વાન્ટિસ સાવેત્રાની પ્રખ્યાત નવલકથા ‘ડૉન કિહોટે’માં ગધેડો મહત્ત્વનું પાત્ર છે. ઈસપની કથાઓમાં ગધેડો આવે છે, તો આપણે ત્યાં પણ સાહિત્યમાં ગધેડાનો પ્રવેશ વર્જ્ય નથી, પુરાણકથામાં સુદધાં ગધેડાનું પાત્ર જોવા મળે છે. પશ્ર્ચિમમાં ફિલ્મોમાં ય ગધેડાનું અફલાતૂન ચિત્રણ જોવા મળે છે. એ વિશે ફરી ક્યારેક વાત. ગધેડાને નામે તુચ્છકારજનક શબ્દપ્રયોગો, અપમાનાસ્પદ શબ્દો અને રીતસરના અપમાનો વિશે અલગથી લખી શકાય એવું મહત્ત્વ ગધેડાનું છે જે આપણને આ થેરેપી નિમિત્તે જાણવા મળ્યું.

વેબદુનિયા પર વાંચો