રાજયના 7 પ્રદુષિત શહેરો

મંગળવાર, 31 મે 2016 (11:04 IST)
ગુજરાત સરકારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ના આદેશ મુજબ રાજ્યના પ્રદૂષિત શહેરોનો રીપોર્ટ મોકલી આપ્યો છે. જેમાં કરેલ ખુલાસા મુજબ, અમદાવાદ એ રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ વડોદરા, મોરબી, રાજકોટ, સુરત, અંકલેશ્વર અને વાપીનો ક્રમ આવે છે. આ સાથે જ ગુજરાત સરકારે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે ખાસ યોજના તૈયાર કરવાની પણ ખાતરી આપી છે. 

ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) દ્વારા દેશના ૭ રાજ્યોના ૧૫ શહેરોમાં વધી રહેલ પ્રદૂષણ મામલે દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ૧૫ શહેરોના એર ક્વોલીટીનો ડેટા એનજીટીને સોંપ્યો હતો. જેના અભ્યાસ બાદ એનજીટીએ આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા તમામ રાજ્યોના વકિલોને આવતીકાલ સુધીમાં તેમના રાજ્યોમાં કયા-કયા શહેરો પ્રદૂષિત છે તેના ડેટા જાહેર કરવા આદેશ આપ્યો છે અને જો ડેટા જાહેર નહીં થાય તો રાજ્યના ચીફ સેક્રેટરી સામે વોરન્ટ જાહેર કરવાની ધમકી આપી છે. હેવી ઈન્ડસ્ટ્રી મંત્રાલયે દેશના ૧૧ મોટા શહેરોમાં ડીઝલ
એન્જીન પર પ્રતિબંધ નહીં લગાવવા મામલે એનજીટીમાં અરજી કરી હતી.

 જેના પર પણ આજે સુનાવણી હાથ ધરાઈ હતી. એનજીટીએ જણાવ્યુ હતું કે, આવતીકાલ સુધીમાં દરેક રાજ્યએ ફરજીયાતપણે એ જાહેર કરવુ પડશે કે તેમના સૌથી વધુ પ્રદૂષિત શહેરો કયા-કયા છે. આ શહેરોમાં કેટલા વાહનો છે, તેમાં વસતીની સંખ્યા કેટલી છે અને આ આંકડાઓ ચાલુ મહિના સુધીના હોવા જોઈએ. એનજીટીએ ચિમકી આપી છે કે જો કોઈ રાજ્યનો વકિલ આવતીકાલની કાર્યવાહીમાં ગેરહાજર રહેશે અથવા આંકડાઓ રજુ નહીં કરે તો તે રાજ્યના ચીફ સેક્રેટરી સામે ધરપકડ વોરન્ટ જાહેર કરાશે.

વેબદુનિયા પર વાંચો