તંત્રને અલ્ટીમેટમ, સુરેન્દ્રનગરમાં દલિતોની નિર્વસ્ત્ર રેલી કાઢવાની ચીમકી

બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:58 IST)
દલિતોનું આંદોલન આ વખતે ઠંડા સુરે આગળ વધી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દલિત સમાજના લોકોને સરકાર દ્વારા આપવામાં આવતી સાંથણીની જમીનના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. વારંવાર રજૂઆત કરવા છતા જમીનનો પ્રશ્ન હલ ન થતા રોષે ભરાયેલા દલિત અધિકાર મંચ દ્વારા સોમવારે રસ્તા રોકો આંદોલન કરાયુ હતુ. ત્યારે મંગળવારે દલિતોએ દિવસભર કલેકટર કચેરીમાં પડાવ નાંખીને તંત્રને આખરી અલ્ટીમેટમ આપ્યુ છે. જેમાં બુધવાર બપોર સુધીમાં જમીનની માપણી કરી, દબાણ દૂર કરી જમીનની ફાળવણી નહીં થાય તો નિર્વસ્ત્ર રેલી અને રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમોની ચીમકી અપાઇ છે. જમીન વિહોણા દલિતો રોજી રોટી રળે તે માટે સાંથણીની જમીન આપવાનો કાયદો છે. સુરેન્દ્રનગર જિલલામાં અનેક દલિત પરીવારો એવા છે જેમની પાસે જમીન નથી. આથી આવા પરિવારને જમીન આપવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સરકાર માત્ર કાગળ પર જ જમીન આપતી હોવાના આાક્ષેપ સાથે દલિત અધિકાર મંચ દ્વારા સોમવારે મૂળી હાઇવે અને આંબેડકર ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કરાયુ હતુ. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં ન આવતા મંગળવારના રોજ દિવસભર કલેકટર કચેરીમાં દલિતોએ પડાવ નાંખ્યો હતો. દલિત અધીકાર મંચના જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ કે, દલિતોને મૂર્ખ બનાવવામાં માહિર સરકાર કાગળ પર ખેતી કરવાનો વાતો કરે છે. અમારે લોલીપોપ નહીં પરંતુ વિટામીન અને પ્રોટીનયુકત આહાર જોઇએ છે. દલીત અધિકાર મંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જે લોકોને સાંથણી અને ઘરથાળની જમીન મળી નથી તે અંગેની રજૂઆત કલેકટર કચેરીમાં કરાઇ છે. બુધવાર બપોર સુધીમાં આ અંગે નિર્ણય કરીને કોઇ પણ 3 ગામોના વંચિતોની જમીનની માપણી કરવી, આ જમીન પરના દબાણો દૂર કરવા અને જમીનની સોંપણીની અમારી માંગ છે.

વેબદુનિયા પર વાંચો