સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે સહકારી રાજકારણમાં પણ ભાજપની કસોટી

ગુરુવાર, 19 નવેમ્બર 2015 (11:24 IST)
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સાથે હવે સહકારી રાજકારણમાં પણ ભાજપની અગ્નિપરીક્ષા સમાન ઘડીઓ આવી રહી છે. રાજયની સૌથી મોટી પૈકી ત્રણ ડેરીઓની ચૂંટણી ચાલુ મહિને યોજાનારી છે અને તેમાં કોંગ્રેસને ઉથલાવીને સત્તા મેળવવાની અથવા હાથમાં રહેલી સત્તા સરકી ના જાય તે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
 
   કોંગ્રેસના નેતાઓ અથવા કોંગ્રેસ તરફી નેતાઓ દ્વારા સંચાલિક સહકારી બેન્કો અને ડેરીઓ ઉપર સત્તા પલ્ટો નરેન્દ્ર મોદીની સરકારી હતી ત્યારે તેમના નજીકના સાથી અમિત શાહની મહેનતથી થયો હતો.    હાલમાં પણ જે સંસ્થાઓમાં કોંગ્રેસ તરફી આગેવાનોની પક્કડ છે ત્યાં પણ ભાજપનું શાસન આવે તેવી ખેવના સેવાઇ રહી છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ સર્જાયેલા વાતાવરણ વચ્ચે ભાજપ હવે સહકારી બેન્કો અને ડેરીઓમાં પોતાની પક્કડ મજબૂત કરી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. કારણ તે નેતાઓ આજકાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કામે લાગેલા છે.
 
   હવે વડોદરામાં આવેલી બરોડા ડેરી, મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરી અને મહેસાણા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક અને બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીમાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. બરોડા ડેરીની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. સરકારે અહીં ચૂંટણી રોકવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હોવાથી ડેરીની ચૂંટણી પાંચ ડિસેમ્બર સુધી મોકૂફ રાખીને કસ્ટોડિયનની નિમણૂક કરી દીધી હતી. પરંતુ ડેરીના કોંગ્રેસના ડાયરેકટર સંગ્રામસિંહ રાઠવાએ પિટિશન કરતા હાઇકોર્ટે જાહેરનામુ રદબાતલ ઠેરવીને ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. બુધવારે ચૂંટણીનું મતદાન છે. આ ડેરીના ચેરમેન ગણપત સોલંકી ભાજપમાં સામેલ થઇ ગયા છે ત્યારે બન્ને પક્ષોના નેતાઓ સામસામા દાવપેચ કરી રહ્યા છે.
 
   બીજી બાજુ બનાસકાંઠાની બનાસ ડેરીમાં તો ભાજપના જ બે જૂથો વચ્ચે ચડસાચડસી છે. ભાજપના ધારાસભ્ય વસંત ભટોળના પિતા પરથી ભટોળ બે દાયકાથી બનાસ ડેરીના ચેરમેન છે. એવું કહેવાય છે કે, ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને હાલ મંત્રીના સમર્થકોનું એક જૂથ ડેરીમાં સત્ત્।ા પલટો ઇચ્છે છે અને તેથી જ આ ડેરીમાં કસ્ટોડિયન નિમવાની હિલચાલ શરૂ થઇ ગઇ હતી અને ચૂંટણી યોજાતી નહોતી. તેથી ડેરી દ્વારા જ હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી અને તે પિટિશન પેન્ડિંગ હતી ત્યારે કસ્ટોડિયનની નિમણૂક કરી દેવાઇ હતી. તેથી ખુદ પરથી ભટોળે હાઇકોર્ટમાં પિટિશન કરીને કસ્ટોડિયનની નિમણૂકને પડકારી હતી. અંતે આ ડેરીમાં પણ ચૂંટણી છ સપ્તાહમાં યોજવાનો આદેશ દિવાળી પહેલા કરાયો છે.
 
   મહેસાણાનો કેસ ખૂબ રસપ્રદ છે. પહેલા ભાજપ, પછી શંકરસિંહની પાર્ટી રાજપા ત્યારબાદ કોંગ્રેસ પછી ભાજપ અને અંતે કોંગ્રેસ તરફ ઢળેલા સહકારી આગેવાલ વિપુલ ચૌધરીને સત્ત્।ા પરથી હટાવવા સરકારે પૂરા પ્રયાસો કર્યા હતા. તેમને દૂધસાગર ડેરીના ચેરમેનપદેથી હટાવીને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષ સુધી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ ચૌધરીએ હાઇકોર્ટનું આશરો લેતા તેમને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી રદ્દ કરાઈ. હાલમાં ચૌધરીએ ફોર્મ ભર્યું છે અને તેઓ બિનહરીફ થાય તેવી શકયતા છે.
 
   બીજી બાજુ પીઠ સહકારી નેતા નટુભાઇ પિતાંબરદાસ પટેલને ગુજકોમાસોલ અને મહેસાણા બેન્કમાંથી દૂર કરવા પણ સરકાર જોર લગાવી રહી છે. મહેસાણા બેન્કની ચૂંટણીમાં નટુભાઇએ ફોર્મ ભરતા સ્ક્રૂટિની દરમિયાન ફોર્મ રદ્દ કરાયું હતું. તેની સામે હાઇકોર્ટમાં કેસ આવ્યો છે. જો મહેસાણા બેન્કમાં પણ કોંગ્રેસ છવાઇ જશે તો ભાજપના નેતા હાથ ઘસતા રહી જશે.

વેબદુનિયા પર વાંચો