વડોદરાના કોંગ્રેસના ઉમેદવારનો મોદીની જેમ સેલ્ફીનો સ્ટન્ટ

શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (15:52 IST)
વડોદરામાં લોકસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ સેલ્ફીનો સ્ટન્ટ કર્યો. નરેન્દ્ર રાવતે મતદાન કર્યા બાદ કોંગ્રેસના પ્રતિક સાથે સેલ્ફી પાડીને લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા. આ મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેકટર પાસે જવાબ માગ્યો છે. મહત્ત્વનું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પણ મતદાન કર્યા બાદ કમળના પ્રતિક સાથે મોબાઈલ ફોનથી સેલ્ફી લીધો હતો. જે સેલ્ફી લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી અને મતદાન મથકની હદને લઈને વિવાદાસ્પદ પણ બની હતી. ત્યારે જાણે તેમના વાદ લીધા હોય આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવતે પણ સેલ્ફી લઈને લોકોમાં ચર્ચા ઉભી કરી. જોકે અહીં મતદાન મથકની હદના લખાણવાળુ બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. ભાજપનું કહેવું છે કે, નરેદ્ર રાવતે નરેદ્ર મોદીનું અનુકરણ કર્યું છે. તો નરેદ્ર રાવતે આક્ષેપ કર્યો કે જે નરેદ્ર મોદીને વડોદરાવાસીઓએ ખોબા ભરીને મત આપ્યા અને વડાપ્રધાન બનાવ્યા તેમણે વડોદરામાં પૂરગ્રસ્ત લોકો માટે બે શબ્દો પણ ઉચ્ચાર્યા નથી. અને વડોદરાને બદલે વારણસીના વિકાસની જ વાત કરી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો