કોબ્રા ગર્લ ઓફ ગુજરાતના નામે જાણીતાં સ્નેહલ ભટ્ટનું નિધન

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (14:58 IST)
કોબ્રા ગર્લ ઓફ ગુજરાતના નામે જાણીતાં જીવદયા પ્રેમી સ્નેહલ ભટ્ટનું નિધન થયું છે. તેમનાં નિધનની વાત વાયુવેગે પ્રસરી જતાં શહેરના જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ૫૨ વર્ષની વયે તેમનું નિધન થયું છે. મુંબઇ અભ્યાસ કરતો પુત્ર ઝુબીન અત્રે આવ્યા બાદ તેમની અંતિમવિધિ કરવામાં આવશે. શહેરનાં સનફાર્મા રોડ પરની શ્રી હરિ રેસિડન્સીમાં રહેતાં સ્નેહલ ભાવસાર(ભટ્ટ) એમએસ યુનિમાંથી એમએસડબ્લ્યુનો અભ્યાસ કર્યો હતો. બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ સર્પ સહિતના વન્ય જીવોને બચાવવા માટેનું કાર્ય કરતા હતા. આ કાર્ય કરતી વેળા તેમનાં પર હુમલા થયાં હતા અને ધમકીઓ પણ મળી હતી, પરંતુ વન મેન આર્મીની જેમ તેમને વન્ય જીવોની સુરક્ષા માટેનું કાર્ય ચાલુ રાખ્યું હતું.

વન્ય જીવોને બચાવવા માટે કોઇ મહિલા કાર્ય કરતી ન હતી ત્યારે સ્નેહલ ભટ્ટે બહાદૂરીપૂર્વક આ સેવા કાર્ય ચાલુ રાખ્યંુ હતું. સાપની પ્રજાતિ કોબ્રા, વાઇપર અને અજગર બચાવવા માટેની ઝૂંબેશમાં તેમનો સિંહ ફાળો હતો. ૧૯૯૩માં તેમને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા(જીએસપીસીએ)ની સ્થાપના કરી હતી. તેમનાં નિવાસ સ્થાનેથી જ તે સંસ્થાનું સંચાલન કરતાં હતાં. ૨૪ કલાક અને ૩૬પ દિવસ તેઓ વન્ય જીવ પ્રાણીઓના બચાવ કાર્ય માટે તેઓ કાર્યરત રહેતાં હતાં. સંસ્થાના સંખ્યાબંધ કાર્યકરો દ્વારા આ ઝૂંબેશ તેમને વ્યાપક બનાવી હતી. પાછળથી આ કાર્યકરોએ પોતાની સ્વતંત્ર એનજીઓ ચાલુ કરીને જીવદયાની કામગીરી શરૃ કરી છે.
ક્રોકોડાઇલ સ્પેશિયલ ગ્રૂપના પણ તેઓ સભ્ય હતા. આ ગ્રૂપ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી બુકમાં મગર વિશેના લેખો અને બચાવકાર્ય વિશેની માહિતી પ્રકાશિત થતાં હતા. શહેરમાં વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૫માં થયેલી મગરની ગણતરીમાં તેમને વન વિભાગ સાથે જોડાયાં હતા. મગરને ટેગ મારવાની પદ્ધતિ લાગું કરવા માટે તેમને વન વિભાગમાં રજૂઆત કરી હતી, આથી મગર ફરી પકડાય તો તે વિશેની જાણ થઇ શકે. વડોદરામાં સૌ પ્રથમ મગર પર કરવામાં આવેલા ટેગિંગમાં પણ તેઓ અગ્રણી હતા. જેને કારણે મગરોની મૂવમેન્ટ વિશે વૈજ્ઞાાનિક રીતે જાણી શકાયું હતું.

તેઓ વન્ય પ્રાણીઓની સુરક્ષાના મુદ્દે તંત્ર પાસે અનેક આરટીઆઇ કરીને પણ સાચી માહિતી જાણવાના પ્રયાસો કર્યા હતા. દેશની અનેક વન્યસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. વન વિભાગ દ્વારા સાંજે ૬ પછી પકડાયેલાં સર્પ લેવામાં નહીં આવે તેવાં નિયમનો તેમણે વિરોધ કર્યો હતો. પરિવારના સૂત્રોના જણાવ્યાં મુજબ, સવારે તેમને ઉઠાડવા ગયા ત્યારે તેઓ ઊઠયાં જ ન હતા. સ્નેહલ ભટ્ટે ઊંઘમાં જ અંતિમશ્વાસ લીધાં હતા. તેમનાં નિધનના પગલે જીવદયા પ્રેમી સંસ્થાના કાર્યકરોએ આધાતની લાગણી અનુભવી છે.

વેબદુનિયા પર વાંચો