ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ અને PM નરેન્દ્ર મોદી વચ્ચે ઐતિહાસક મુલાકાતનું ગુજરાત સાક્ષી બન્યું

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (17:59 IST)
ભારત અને ચીન ધર્મ, સંસ્કૃતિ, વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રોમાં છેલ્લાં ૨૦૦૦ વર્ષથી મજબૂત ઇતિહાસ ધરાવે છે. બન્ને દેશો તેમના વૈવિધ્ય સભર વારસા અને સંસ્કૃતિમાં ઘણી સામ્યતા ધરાવે છે. આ બન્ને રાષ્ટ્રો હવે શક્તિશાળી અર્થતંત્ર તરીકે વિશ્વમાં આગેકૂચ કરી રહ્યાં છે.

ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે ૨૦૧૧માં ચીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ચીનના રાજનૈતિક અગ્રણીઓ, ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ અને અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે સફળ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે તાજેતરમાં જ ઉર્જા ઉત્પાદન ઉપકરણના નિર્માણ માટે વડોદરા નજીક ટીબીઇએ દ્વારા સ્થાપિત ગ્રીન એનર્જી પાર્કનું ઉદઘાટન કર્યું હતું. બે દેશો વચ્ચેના વ્યાપાર અને રોકાણને વધુ વેગવાન બનાવવા જુલાઇ ૨૦૧૪માં ચીનના રાજદૂતની આગેવાની હેઠળ એક ચીની પ્રતિનિધિ મંડળે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ચીનના ઘણાં પ્રતિનિધિ મંડળો ગુજરાતમાં આવ્યાં હતાં.

હવે, એશિયાના આ બે શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવા માટે ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જીનપિંગ એક ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળ લઇને ભારત આવ્યાં છે. આ પ્રતિનિધિ મંડળમાં ટોચના મંત્રીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમની મુલાકાત દરમિયાન શ્રી જીનપિંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

અમદાવાદ સ્થિત હોટેલ હયાત્ત ખાતે એક કાર્યક્રમ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિશ્રી, ભારતના પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તેમજ ચીન, ગુજરાત સહિત ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં ત્રણ સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

ચીનના ગ્વાંગડોંગ અને ભારતના ગુજરાત વચ્ચે ‘સિસ્ટર પ્રોવિન્સ’ સ્થાપિત કરવા માટે એમઓયુ કરવામાં આવ્યાં હતાં. આ એમઓયુ અંતર્ગત અર્થતંત્ર અને વ્યાપાર, પર્યાવરણ સંરક્ષણ, જાહેર હિતની નીતિઓનું શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રવાસન અને સંસ્કૃતિ જેવાં ક્ષેત્રોમાં સહકારને આવરી લેવામાં આવ્યા છે. આ એમઓયુ દ્વારા સિસ્ટર પ્રોવિન્સિસ રમત-ગમત, યુવા બાબતો, શહેરી આયોજન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, જાહેર આરોગ્ય તેમજ આર્થિક અને વ્યાપારિક પ્રતિનિધિ મંડળોની વચ્ચે સહકારને વધુ વેગ આપશે.
આ સાથે ચીનના ગ્વાંગઝો શહેર અને ગુજરાતના અમદાવાદ શહેર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતાં. બંન્ને શહેરોના સ્થાનિક સત્તામંડળ વચ્ચે પરસ્પર રીતે સહકાર રહે તે માટે આ એમઓયુની પહેલ કરવામાં આવી હતી. આ એમઓયુના પગલે આ બે શહેરો વચ્ચે અર્થતંત્ર અને વ્યાપાર, પર્યાવરણ સંરક્ષણ, જાહેર નીતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રવાસન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન મળશે. પ્રતિનિધિ મંડળની મુલાકાતો, સંસ્થાગત બેઠકો અને પરસ્પર રસ ધરાવતા ક્ષેત્રોમાં અનુભવોની આપ-લે દ્વારા નોલેજ શેરિંગ કરવામાં આવશે.
ગુજરાતમાં ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને ફેક્ટરીની સ્થાપના કરવા માટે જરૂરી ધિરાણ ઉપલબ્ધ કરાવીને ચાઇના ડેવલપમેન્ટ બેન્કે ચીનના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિઓ માટે મધ્યસ્થ એજન્સી તરીકે કાર્યરત ઇન્ડેક્સ્ટ-બી રાજ્ય સરકાર વતી આવશ્યક મંજૂરી મેળવવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવલતોનું નિર્માણ કરવા માટે સક્રિય છે. ચીનના રોકાણકારો ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક અને અન્ય ક્ષેત્રોના ઉત્પાદન એકમો આ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સમાં સ્થાપશે. આ ચાઇનિઝ એકમોમાં સપ્લાયર બનવા માટે ઘરેલુ ઉદ્યોગો અને સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન મળી રહેશે. આ પહેલથી સ્થાનિક કંપનીઓને નવીન ટેકનોલોજી અપનાવવા અને આયાતમાં ઘટાડો કરવાની પ્રેરણા મળશે. રોજગારીમાં વધારો થતાં અને ઓછી કિંમતે માલ-સામાન પ્રાપ્ત થતાં નાગરિકોને પણ લાભ થશે. આ એમઓયુ અંતર્ગત ઇન્ડેક્સ્ટ-બી અને સીડીબી રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિ માટે ચીન અને ગુજરાતના ઉત્પાદન એકમો, ઉદ્યોગો અને વ્યાપાર મંડળો વચ્ચે સંવાદ સાધવા માટે જરૂરી મદદ પુરી પાડશે.

વેબદુનિયા પર વાંચો