ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, 1021 મીટર ઊંચાઇ

ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (15:44 IST)
હિમાલયના પ્રપિતામહ ગણાતા પર્વતાધિરાજ ગરવા ગિરનારની સમુદ્રથી ઊંચાઈ ૧૦૨૧ મીટર હોવાનું વૈજ્ઞાનિક રીતે તારણ વ્યક્ત કરાયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલી માપણીમાં આ ઊંચાઇ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં આટલી ઊંચાઇ વાળો બીજો કોઇ પર્વત નથી. ગિરનાર પર અનેક ધર્મના ધર્મસ્થાનો પણ આવેલા છે. જ્યાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં દિવાળીના દિવસોમાં યોજાતી લીલી પરિક્રમા ખૂબ પાવનકારી મનાય છે.

જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગિરનાર આરોહણ સ્પર્ધાને ગિનીસબુકમાં સ્થાન અપાવવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. આ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા ગિરનાર પર ઝડપીથી ચડાણ અને ઉતરાણ કરવાનું હોવાથી તેની ઊંચાઇ ખૂબ મહત્ત્વની મનાય છે. એટલું જ નહીં આ વખત પ્રથમવાર ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં તેની નોંધ થવાની હોવાથી પર્વતની હાઇટની ચોકસાઇ માટે કલેક્ટર દ્વારા કવાયત હાથ ધરાઇ હતી. જમીન માપણી વિભાગના તજજ્ઞોની ટીમે આધુનિક ઉપકરણોથી ગિરનારની ઊંચાઈની માપણીનું કાર્ય હાથ ધર્યું હતું. જેમાં સમુદ્રથી અંબાજી સુધીની ઊંચાઈ ૧૦૨૦.૫૭૬ મીટર હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જમીનથી અંબાજી ટૂંક સુધીની ઊંચાઈ ૯૨૦ મીટર એટલે કે ૩૦૧૬ ફૂટ છે.

વેબદુનિયા પર વાંચો