મુખ્યપ્રધાન આનંદીબેનના રાજીનામાને લઈને રાજકારણીઓની પ્રતિક્રિયાઓ

મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (10:20 IST)
મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને સાથે જ પક્ષ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને રાજીનામું મોકલી આપ્યું છે ત્યારે જુદા જુદા રાજકીય પક્ષોએ સીએમના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપી છે. સીએમના રાજીનામાં અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસનાં ધારાસભ્ય શંકર સિંહ વાઘેલાએ સીએમના રાજીનામાંને તર્ક વગરનું ગણાવ્યું છે. સાથે જે આક્ષેપ કર્યો છે કે ભાજપ કદાચ સમય કરતાં પહેલા ચૂંટણી લાવવા માગે છે. જેને લીધે રાજીનામાંનું તરકટ ઊભું કરવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે પક્ષમાં પડેલા ભંગાણને લીધે રાજીનામું આપવામાં આવ્યું છે. સાથે જ તેમણે રાજીનામાંની વાતને એક રાજકીય સ્ટંટ પણ ગણાવ્યું હતું. તો પાસ કન્વીનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સીએમની નિષ્ફળતાને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું છે.  પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ પ્રસ કોન્ફરન્સનું આયોજન કરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમનો 75 વર્ષના પક્ષના નિયમને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે આનંદીબેન પટેલે ઉંમરના નિયમને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામાં અંગે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. વધુમાં તેમણે નવા મુખ્યપ્રધાન અંગે કહેતા જણાવ્યુ હતું કે નવા મુખ્ય પ્રધાન અંગે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો