સાબર ડેરીની ઉજવણીના કાર્યક્રમનું પણ ભગવાકરણ, કોંગ્રેસીઓની બાદબાકી, આદ્યસ્થાપકો તો યાદ જ ન આવ્યા...

શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (16:02 IST)
સાબર ડેરીની સ્થાપનાને 50 વર્ષ પૂરા થતા તેનો સુવર્ણ જયંતિ કાર્યક્રમ યોજાઇ ગયો. આમ તો આ કાર્યક્રમ ઉજવણીનો એક સામાન્ય કાર્યક્રમ બની રહેવો જોઇતો હતો. પરંતુ તે રાજકારણના રંગે રંગાયેલો જોવા મળ્યો. આ ઉજવણીમાં કોંગ્રેસની તો બાદબાકી કરાઇ જ, સાથે-સાથે ડેરીના આદ્યસ્થાપકોને પણ ભૂલી જવાયા.

સાબર ડેરીની સુવર્ણ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ સંપૂર્ણપણે ભગવા રંગમાં રંગાયેલો જોવા મળ્યો. આ ઉજવણીને લઇને જે આમંત્રણ કાર્ડ છપાયા હતા, તેમાં કોંગ્રેસના આગેવાનો કે ધારાસભ્યોના નામ જ ઉડાડી દેવાયા હતા. મંચ પર કોંગ્રેસનો એકપણ કાર્યકર્તા પણ નજરે ચઢતો ન હતો. ડેરીના જૂના એમડી અને ચેરમેનોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ બાદબાકી કરાઇ હતી. આ મામલે એનડીડીબીના ચેરમેન જેઠાભાઇ પટેલને પૂછતા તેમણે હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. 

ચાલો માની લઇએ કે સતાપક્ષ ભાજપ છે, માટે કોંગ્રેસને કોરાણે મુકવામાં આવ્યું. પરંતુ નવાઇની વાત એ છે કે, આ કાર્યક્રમમાં ડેરીના સ્થાપક ભોળાભાઇ પટેલના નામનો ઉલ્લેખ સુદ્ધા ન કરાયો. શ્વેતક્રાંતિના પ્રણેતા ડોકટર વર્ગીસ કુરિયન પણ ભૂલાઇ ગયા. 50 લાખના ખર્ચે ઉજવાયેલા આ સમારોહમાં ઉપસ્થિતિ સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે આટલા મહત્વપૂર્ણ પ્રસંગમાં ખુદ પ્રણેતાને જ કેમ ભૂલી જવાયા.. 

ડેરીના 50 વર્ષની ઉજવણી પ્રસંગે કરાયેલો રૂપિયા 50 લાખનો ખર્ચ માત્ર ભાજપને ખુશ કરવા માટે કરાયો હોય તેમ જણાઇ રહ્યું હતું. ચર્ચા છે કે જેઠાભાઇ પટેલને એનડીડીબીના ચેરમેન બનાવવામાં ભાજપનો મોટો હાથ છે. અને એટલેજ ભાજપ નારાજ થાય તેવા દરેક નામની અને વ્યકિતની આ પ્રસંગમાં બાદબાકી કરી દેવાઇ હતી.

વેબદુનિયા પર વાંચો