અંબાજીમાં વીઆઇપી દર્શન બંધ

ગુરુવાર, 19 નવેમ્બર 2015 (16:33 IST)
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં નવા વર્ષથી વીઆઇપીઓની દર્શન વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થાની લાગણીને મહત્ત્વ આપી આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા અનેક વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજારી અને બ્રાહ્મણોને જ પ્રવેશ કરવાની અનુમતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી મંદિરના ગર્ભગૃહમાં વીઆઇપી માણસો અને ઉચ્ચ લોકો દર્શન કરવા માટે જતા હતાં. સામાન્ય માણસો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી મા અંબાના દર્શન કરતા જયારે વીઆઇપીને અન્ય દ્વારથી સીધો ગર્ભગૃહમાં પ્રવેશ અપાતા અનેક સવાલો ઊભા થયા હતા. જેને લઇ આ વર્ષથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખી વીઆઇપી દર્શનની વ્યવસ્થા બંધ કરાઇ છે. પૂજારી અને બ્રાહ્મણો સિવાય કોઇ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. હવેથી વીઆઇપીએ પણ સામાન્ય માણસો-દર્શનાર્થીઓની જેમ બહારથી દર્શન કરવાના રહેશે. માતાજીના દરબારમાં વીઆઇપી અને સામાન્ય લોકોમાં રોષ ફેલાયો હતો. જોકે હવેથી મંદિરમાં આ વીઆઇપી દર્શન વ્યવસ્થા બંધ કરી દેવામાં આવતા માઇભકતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

વેબદુનિયા પર વાંચો