અમદાવાદમાં વધી રહેલો ડેન્ગ્યુનો ઉપદ્રવ - આઠ દિવસમાં ડેન્ગ્યૂના સત્તાવાર ૭૩ કેસ

બુધવાર, 12 ઑક્ટોબર 2016 (11:40 IST)
શહેરમાં સતત ત્રણ મહિનાથી મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. મ્યુનિ.નું આરોગ્ય ખાતુ કાગળ ઉપર ડેન્ગ્યૂ અને મેલેરિયાની લડાઇ લડી રહ્યું છે. એટલે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો જોવા મળી રહ્યાં છે પણ મ્યુનિ.ના ચોપડે નોંધાઇ રહ્યાં નથી.  છેલ્લા નવ મહિનામાં ૯૪૧ ડેન્ગ્યૂના દર્દીઓ નોંધાયા છે જે પૈકીના ૫૦ ટકા જેટલા દર્દીઓ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ નોંધાઇ ચૂક્યા છે. ઓક્ટોબર મહિનાની શરૃઆતથી ડેન્ગ્યૂના દર્દીઓ વધી રહ્યાં પણ મ્યુનિ. તંત્રને આંકડા છુપાવવામાં રસ છે. શહેરમાં ૧થી ૮ ઓક્ટોબર દરમિયાન મેલેરિયાના ૨૩૯, ઝેરી મેલેરિયાના ૮૩, ચીકનગુનિયાના ૨ અને ડેન્ગ્યૂના ૭૩ દર્દીઓ નોંધાયા છે. જોકે, આ ડેન્ગ્યૂ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યા પાંચ ગણી માનવામાં આવી રહી છે. વરસાદની સિઝનમાં જોઇએ તેવો વરસાદ જોવા મળ્યો નથી. છેલ્લા નવરાત્રીના શરૃઆતના ચાર દિવસમાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ લીધેલો છે. મ્યુનિ.ના હેલ્થ ખાતા પાસે પુરતો સમય હોવા છતાં પણ રોગચાળો ડામવા માટે તકેદારીના પગલાં લેવાયા ન હતા જેથી મચ્છરોનો ત્રાસ વધ્યો હતો જેથી મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે.  મ્યુનિ તંત્ર દ્વારા માત્ર દર્દીઓના આંકડા છુપાવીને રોગચાળો ઘટયો હોવાના દાવાઓ કરાઇ રહ્યાં છે જોકે, મોટાભાગના વિસ્તારોમાં ડેન્ગ્યૂના અને મેલેરિયાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપેટમાં આવેલા દર્દીઓથી ઉભરાઇ રહી છે. ગત મહિને સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના ૪૦૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આઉટડોર સારવાર લેનારા દર્દીઓની સંખ્યા તો ત્રણ ગણી હતી. ઓક્ટોબરની શરૃઆતમાં પણ ડેન્ગ્યૂના કેસો જોવા મળી રહ્યાં છે. ગત સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં મેલેરિયાના ૨૧૦૦ ઝેરી મેલેરિયાના ૩૦૦, ચિકનગુનિયાના ૭ અને ડેન્ગ્યૂના ૪૦૦ કેસો નોંધાયા હતા  

વેબદુનિયા પર વાંચો