3.5 કરોડનું હેરોઇન પકડાયું

બુધવાર, 22 જૂન 2016 (13:40 IST)
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેર ડ્રગ્સ માફીયાઓનો અડ્ડો બની ચુક્યુ છે. શહેરમાં છાશવારે ડ્રગ્સની હેરાફેરી સામે આવી રહી છે. ત્યારે આજે શહેરના એસજી હાઈવે વિસ્તારમાંથી ૩.૫ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

ડ્રગ્સની હેરફેર થવાની હોવાની બાતમીના આધારે એનસીબીની ટીમે વોચ ગોઠવી બે શખ્સોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં ૩.૫ કરોડ રુપિયા કિંમત થવા પામે છે. આ સમગ્ર ઓપરેશનમાં એનસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
 
જોકે આ કેસમાં હજી ૪ આરોપીઓ ફરાર છે. જેમને શોધવા માટે એનસીબી દ્વારા ચક્રોગતિમાન કરી દેવાયા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે કે ડ્રગ્સનુ હબ બનતુ હોય તેવુ લાગી રહ્યુ છે.  જેમાં મોટા પ્રમાણમાં પાર્ટી ડ્રગ્સનું મેન્યુફેક્ચરીંગ ગુજરાતમાં થતુ  હોવાનુ મનાઈ રહ્યુ છે. થોડા દિવસો પહેલા જ ગુજરાત યુનિવર્સિટીના

એમએસડબ્લ્યુ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી અહેઝાદ શેખ અને તેની ટીમે અમદાવાદની ૧૨ કોલેજમાં કરેલ સર્વેમાં જાણવા મળ્યુ હતું કે, અમદાવાદના ૪૨.૯૨ ટકા કોલેજિયન વિદ્યાર્થી ડ્રગ્સ એડિક્ટ છે.  તેમજ આ સર્વેમાં ૫૪.૫૮ ટકા વિદ્યાર્થીઓએ સ્વિકાર્યુ હતું કે, તેમની કોલેજ કેમ્પસની આસપાસ જ જોઈએ તેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળી રહે છે.

વેબદુનિયા પર વાંચો