રાજકોટ - સંતાન સુખથી વંચિત રહેતા પરિણિતાએ 10 માળની બિલ્ડિંગ પરથી પડતુ મુક્યુ

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (10:07 IST)
ગોંડલ રોડ પર રામનગરમાં રહેતી લુહાર પરિણીતાએ વહેલી સવારે ઘરેથી નીકળી જઇ ગોંડલ રોડ પર પી.ડી.એમ. કોલેજ પાસે આવેલા દસ માળના રાધે હાઇટ્‍સ નામના બિલ્‍ડીંગ પરથી પડતું મુકતાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 
   પ્રાપ્‍ત માહિતી મુજબ ગોંડલ રોડ ઓવર બ્રિજ પછી પી.ડી. માલવીયા કોલેજ નજીક આવેલા દસ માળના રાધે હાઇટ્‍સ નામની બિલ્‍ડીંગ પરથી એક યુવતિએ પડતું મુકતાં રહેવાસી પૈકીના એક મહિલાએ ૧૦૮ને જાણ કરતાં ઇએમટી કિશનભાઇ રાજાણી અને પાઇલોટ સંજય કલોતરા પહોંચી ગયા હતાં. ઇએમટી તબિબની તપાસમાં યુવતિનું મોત નિપજ્‍યાનું જણાતાં પોલીસને જાણ કરી હતી.
 
   માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. કે. સી. વાઘેલા, રવજીભાઇ પટેલ, ઘેલુભાઇ શિયાર, હેડકોન્‍સ. જયેશભાઇ છૈયા, ઉમેશગીરી સહિતનો સ્‍ટાફ પહોંચી ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી ત્‍યાં જ એક યુવાન આવ્‍યો હતો અને લાશ જોતાજ પોક મુકી હતી. એ યુવાને પોતાનું નામ દિવ્‍યેશ સુરેશભાઇ વાળા (લુહાર) (રહે. રામનગર મેઇન રોડ, ખોડિયાર પાનની બાજુમાં) હોવાનું તથા મૃતક યુવતિ પોતાની પત્‍નિ ભૂમિ દિવ્‍યેશ વાળા (ઉ.૨૪) હોવાનું જણાવ્‍યું હતું. દિવ્‍યેશ અને તેના ભાઇ વિરલના કહેવા મુજબ સવારે ઘરના સભ્‍યો ઉઠયા ત્‍યારે ભૂમિ ઘરમાં જોવા ન મળતાં પોતે બંને ભાઇઓ શોધખોળ કરવા નીકળ્‍યા હતાં. દરમિયાન રાધે હાઇટ્‍સમાં માણસોના ટોળા જોઇ તપાસ કરવા આવતાં બનાવની ખબર પડી હતી.
 
   પોલીસની વધુ તપાસમાં આપઘાત કરનાર ભૂમિના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. પતિ દિવ્‍યેશ ફર્નિચરનું કામ કરે છે. તેણીના માવતર સુરત વરાછામાં રહે છે. પિતાનું નામ પ્રવિણભાઇ કવા છે અને માતાનું નામ ઉષાબેન કવા છે. પોલીસે તેમને જાણ કરી છે. તેઓ આવ્‍યા બાદ વધુ વિગતો બહાર આવશે.
 
   ભૂમિએ ઘરેથી નીકળતાં પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ‘હું મારી જાતે પગલુ ભરુ છું, આમા કોઇનો દોષ નથી, સંતાન ન થતાં આ પગલુ ભરુ છું' તેવું લખાણ છે. પોલીસે તે કબ્‍જે લીધી છે. માવતર આવ્‍યા બાદ સાચી વિગતો બહાર આવશે. આ બનાવથી પરિવારજનોમાં શોક વ્‍યાપી ગયો છે. બનાવ સ્‍થળે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં

વેબદુનિયા પર વાંચો