૧૮૩૦ દરમિયાન અમદાવાદની આજુબાજુ સિંહની વસતિ હતી

ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (17:19 IST)
ભારતના પ્રાચીન શિલ્પોમાં સિંહ અને હાથીને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીલંકામાં પણ પ્રાચીન શિલ્પોમાં સિંહને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યાં કેટલાક છાતી ઠોકીને કહે છે કે અમે સિંહની પ્રજા છીએ. આપણે ત્યાં સિંહને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે. વાઘ ખલેલ પડતા સલામતી શોધે છે. સિંહ સામે આવે છે. ખુલ્લી જગ્યામાં રહે છે. તેની ગતિમાં એટલી ત્વરા નથી, પરંતુ સામે આવતે હોવાથી શિકારીઓના નિશાનનો ભોગ બને છે, પરંતુ શિકારી નિશાન ચૂકી ગયો અને ઘાયલ કરે તો સિંહ ઝનૂની બનીને હુમલો કરે છે.

સિંહની પૂંછડીને છેડે વાળનો કાળો ગુચ્છો હોય છે. પૂંછડી ચપ્પટ હોય છે અને છેડે વાળમાં આંકડો છૂપાયેલો હોય છે. નર સિંહના માથાને ફરતી કેશવાળી હોય છે. કેસરી કેશવાળીનાં છેડે કાળો રંગ હોય છે. કાનની આજુબાજુનાં વાળ શરૂઆતમાં કાળા હોય છે. સિંહનો રંગ પણ ઊંટની જેમ પીળાશ પડતો કેસરી હોય છે. તેથી ઊંટીયો વાઘ પણ નામ પડ્યું છે. સૌરાષ્ટ્રમાં સાવજ નામ છે. આફ્રિકાના સિંહ કદમાં થોડા મોટા હોય છે. સીંબા તરીકે ઓળખાય છે. કદાચ સિંહમાંથી સિંહા અને અપભ્રંશ થઈને સિંબા નામ પડ્યું હોય. ગુજરાતી વેપારીઓએ પૂર્વ આફ્રિકાની ભાષામાં ઘણાં શબ્દોનો ઉમેરો કર્યો છે. કદાચ સીંબા નામ પણ ગુજરાતની સાહસિક પ્રજાએ આપ્યું હોય.

સિંહની ખોપરી જરા ચપ્પટ હોય છે. તેથી જરા કૂતરા જેવો દેખાવ હોય છે. ખોપરીને ટેબલ ઉપર મૂકતા સ્થિર રહે છે. જ્યારે વાઘની ખોપરી એક બાજુ નમી પડે છે.

જ્યારે દુશ્મન સામે આવતો દેખાય છે ત્યારે સિંહ સામે જાય છે અને છલાંગ સાથે કૂદી પડે છે. આમ તાકાતનું પ્રદર્શન કરે છે. મોટું માથું મોટો પંજો અને વજનદાર શરીર દુશ્મનને ભારે પડે છે. મોટા હાથીના માથા ઉપર ત્રાટકી શક્તિ સાથે હાથી અને સવારને નીચે પટકી નાંખે છે. વાઘ કરતાં વધુ હિંમતવાન ગણાય છે. વધુ અવાજ કરે છે. સાંજ પડતાં અવાજ વધી જાય છે. વાઘની જેમ નીશાચર હોય છે. દિવસે વૃક્ષની નીચે નિંદ્રા તાણતા પડ્યા હોય છે.

ઓગણીસમી સદીનાં પ્રથમ ભાગમાં હિંદુસ્તાનમાં ઠેકઠેકાણે સિંહ હતા. સિંધમાં પણ હતા. ગુજરાતમાં ઘણી જગ્યાએ સિંહનો વાસ હતો. કચ્છમાં ન હતા.

બલાનફોર્ડના પ્રખ્યાત પુસ્તક ઋફીક્ષફ જ્ઞર ઇશિશિંતવ ઈંક્ષમશફ, ભયુહજ્ઞક્ષ ફક્ષમ ઇફળિફથ (૧૮૮૮-૯૧) માં કેટલીક રસપ્રદ માહિતી આપી છે, ‘ભારતના ઘણાં ભાગોમાં સિંહનું અસ્તિત્વ લગભગ નાબૂદ છે. વીસ વર્ષ પહેલાં માઉન્ટ આબુની આજુબાજુ સિંહ હતા. ગ્વાલીયર’, કોટા અને ગુનાની આજુબાજુ સિંહના શિકારના દાખલા છે. તે સમયે સાગર અને ઝાંસીની વચ્ચે લલિતપુર પાસે સિંહ હતા. ૧૮૬૪માં જ્યારે અલાહાબાદ અને જબલપુર વચ્ચે રેલવેના પાટા નંખાતા હતા ત્યારે એક સિંહ ઠાર થયો હતો. અલ્લાહાબાદથી ૮૦ માઈલ દૂર રેલવેના બે ઈજનેરોએ સિંહનો શિકાર કર્યો હતો. સને ૧૮૩૦ દરમિયાન અમદાવાદની આજુબાજુ સિંહની વસતિ હતી. ઓગણીસમી સદીની શરૂઆતમાં હરીયાણા અને ખાનદેશમાં સિંહ હતા. રાજપુતાના (રાજેસ્થાન)માં ઘણી જગ્યાએ હતા. તે સિવાય રેવા અને પાલામોવમાં હતા. ૧૮૧૦માં સિંધમાં કોટદાજીથી દસ માઈલ દૂર સિંહનો શિકાર કરવામાં આવ્યો હતો. સને ૧૮૧૫માં ગનર્વર જનરલ લોર્ડ હાર્ડિંઝે પંજાબમાં હાંસી પાસે સિંહોનો શિકાર કરેલો તે સમયે એક સિંહણે બહાર આવી હાર્ડિઝનાં હાથીની પાસેના બીજા હાથી ઉપર કૂદકો માર્યો. તેના કાન કરડ્યા, પરંતુ હાથીએ માથું હલાવીને તેને ફેંકી દીધી. તેમાં તે હાથી ઉપરનો અંગ્રેજ શિકારી પણ નીચે ફેંકાયો, પરંતુ સારા નસીબે તે હાથીની બીજી બાજુ પડ્યો તેથી બચી ગયો, પરંતુ તે સિંહણે બીજા હાથીનો પગ કરડ્યો. તે દિવસે ત્રણ સિંહણનો શિકાર થયો. તેમાંની એક સિંહણની લંબાઈ નાકથી પૂંછડીનાં છેડા સુધી ૯’-૪ હતી. તે જમાનામાં એવી માન્યતા હતી કે સિંહનું માંસ ખાવાથી કૌવત આવે. તેથી હાર્ડિઝની છાવણીના દેશી શિપાહીઓએ માંસ મેળવવા ઘસારો કર્યો.

આજે ગીરમાં સિંહ બચ્યા છે તેનું શ્રેય જૂનાગઢના નવાબ સર મહોબતખાનને જાય છે. તેમણે ૧૮૮૦માં ગીરનું ૫૦૦ ચોરસ માઈલનું જંગલ અભ્યારણ તરીકે જાહેર કર્યું. ત્યારે ફ્ક્ત ૧૨ સિંહ બચ્યા હતા. પાલણપુર પાસે ગીરની બહારનો છેલ્લો સિંહ મરાયો.

સિંહની વસતિ ધીમે ધીમે નાબૂદ થઈ. પાલામાઉમાં ૧૮૧૪, વડોદરા પાસે ૧૮૩૨, હરીયાણામાં ૧૮૩૪, અમદાવાદ પાસે ૧૮૩૬, કોટદાજી (સિંધ)માં ૧૮૪૨મા, દામોહ પાસે ૧૮૪૭, ગ્વાલિયર પાસે ૧૮૬૫મા, રેવા પાસે ૧૮૬૬, આબુ અને ગુના પાસે ૧૮૭૨માં છેલ્લા સિંહ મરાયા. છેલ્લે ડીસા પાસે ૧૮૭૮માં અને પાલણપુર પાસે સૌથી છેલ્લે એટલે કે ૧૮૮૦માં ગીરની બહારનો છેલ્લો સિંહ હણાયો.

વેબદુનિયા પર વાંચો