૧૫મી ઓગસ્ટ-જન્માષ્ટમી-વિકેન્ડઃ સૌરાષ્ટ્ર-કચ્છના પર્યટન સ્થળો હાઉસફૂલ

બુધવાર, 13 ઑગસ્ટ 2014 (14:15 IST)
૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ બાદ તુરંત વીકએન્ડમાં આવતા જન્માષ્ટમી પર્વને કારણે સળંગ રજાથી મીની વેકેશનનો માહોલ છવાયો છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના પર્યટન સ્થળો એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.



જન્માષ્ટમીની રજામાં ગોવા, મહાબળેશ્ર્વર, રાજસ્થાન ફરવા જવા માટે જેમણે પ્લાનિંગ કર્યા હતા. તેઓએ ટ્રેનની ટિકિટ ન મળતા સહિતની અન્ય સમસ્યાઓને પગલે મોટી સંખ્યામાં લોકોએ સૌરાષ્ટ્ર-કચ્છના પર્યટન સ્થળોએ ત્રાટકવાનો મૂડ બનાવી લીધો છે. એમાંય ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસને પગલે સોમનાથ, દ્વારકા નજીકના નાગેશ્ર્વર મહાદેવ, જૂનાગઢના ભવનાથ સહિતના ધાર્મિક સ્થળોએ માનવમહેરામણ ઊભરાશે.

દીવ તરફ પર્યટકોનો ખૂબ જ ધસારો છે. હોટેલો ૭૦થી ૮૦ ટકા જેટલી અત્યારથી જ પેક થઇ ગઇ છે. હોટેલની સાથે ફાર્મ હાઉસ અને ખેતરોમાં રહેવા માટે લોકોમાં રસ વધ્યો છે. અમિતાભ બચ્ચનની ખુશ્બૂ ગુજરાતની જાહેરાત પછી ગુજરાતમાં આમેય પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરપ્રાંતના પર્યટકોથી સાસણ, સોમનાથ અને દ્વારકા હાઉસફૂલ થશે.

સાતમ આઠમના મીની વેકેશનમાં સૌરાષ્ટ્રવાસીઓ ફરવા જવા ઉપડી જાય છે. બજારો સુમસામ ભાસતી હોય છે. આ વખતે તા:૧૫,૧૬,૧૭ અને ૧૮ની રજાનો મેળ હોવાથી લોકો ગેલમાં આવી ગયા છે. લોકો રોજિંદા જીવનમાં બદલાવ માટે હિલ સ્ટેશન કે પછી દરિયા કિનારે ફરવા જવાના પ્લાનિંગ કરી ચૂક્યા છે.

જન્માષ્ટમીની રજામાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ વાળાઓએ સામાન્ય દિવસો કરતા કાર ભાડાં પણ બમણા જેટલા કરી નાખ્યા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે.

વેબદુનિયા પર વાંચો