હેમંત ચૌહાણ અમોને આર્થિક નુકસાન પહોંચાડે છેઃ રસિકભાઇ ખખ્‍ખર

સોમવાર, 22 ડિસેમ્બર 2014 (15:44 IST)
ઢેબર રોડ પર આવેલા શિવ સ્‍ટુડિયોના સંચાલક રસિકભાઇ ખખ્‍ખરને જાણીતા ભજનીક હેમંતભાઇ ચૌહાણે ફોન પર ધમકી આપ્‍યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશ્નરને થતાં આ મામલે એ-ડિવીઝન પોલીસને તપાસ સોંપવામાં આવતાં જ્‍યુબીલી ચોકીના પી.એસ.આઇ. જે.બી. ખાંભલા અને સ્‍ટાફે તપાસ શરૂ કરી છે. દરમિયાન ભજનીક હેમંતભાઇ ચૌહાણે જણાવ્‍યુ હતું કે પ્રાચિન ભજનો પર કોઇનો હક્ક હોતા નથી. આમ છતાં અમારા વિરૂધ્‍ધ અત્‍યાર સુધીમાં રસિકભાઇએ અનેક વખત અરજી, ફરિયાદો કરી છે. અગાઉના કેસમાં આ કેસને સિવિલ મેટર ગણીને સી સમરી પણ ભરવામાં આવી હતી. આમ છતાં રસિકભાઇ વારંવાર ફરિયાદો કરી અમને હેરાન કરે છે. પ્રાપ્‍ત માહિતી મુજબ શિવ સ્‍ટુડિયોના નામે ધાર્મિક આલ્‍બમ, કેસેટો બનાવીને વેંચાણ કરતાં સ્‍ટુડિયો સંચાલક રસિકભાઇ ખખ્‍ખરે અરજી કરી તેમાં જણાવ્‍યુ છે કે ભજનીક હેમંતભાઇ ચૌહાણના ભાઇ નાગજીભાઇ ચૌહાણે કરારનો ભંગ કરી હેમંતભાઇએ ગાયેલા ભજનો લોકડાયરાની કેસેટો જુદા-જુદા માધ્‍યમથી વેંચાણ કરી પોતાને આર્થિક નુકસાન પહોંચાડયું છે. આ અરજી તા. ૨૭/૧૧ના રોજ રસિકભાઇએ કરી હતી. તેના સંદર્ભે પોલીસે શનિવારે રસિકભાઇનું નિવેદન લીધા બાદ ભજનીક હેમંતભાઇ ચૌહાણને બોલાવતાં હેમંતભાઇએ ઉશ્‍કેરાઇ જઇ રસિકભાઇને ફોન પર ગાળોદઇ ઉધ્‍ધતાઇભર્યુ વર્તન કર્યાનું રજૂઆતમાં જણાવાયુ છે. ફોનમાં થયેલી વાતચીતની ટેપ સાથે રસિકભાઇએ પોલીસ કમિશ્નરને બીજી અરજી આપી છે.

    જો કે હેમંતભાઇ ચૌહાણના કહેવા મુજબ શિવ સ્‍ટુડિયો સાથે ૧૯૮૦ની સાલમાં પોતે રૂ. દસના સ્‍ટેમ્‍પ પેપર પર લખાણ કર્યુ હતું. તે વખતે એવુ કહેવાયુ હતું કે આમાં સહી કરી દો પછી તમારી પાછળની પેઢીને પણ વાંધો નહિ આવે. તે વખતે કોઇ કરાર થયો નહોતો. રસિકભાઇ સાથે રેકોર્ડિંગ બંધ કરી બીજા સ્‍ટુડિયો સાથે કામ શરૂ કરતાં મનદુઃખ ઉભુ થયુ છે અને રસિકભાઇ કારણ વગર કાનુની કાર્યવાહી કરી રહ્યા છે. અમે એકેય વખત અમારા તરફથી રસિકભાઇ વિરૂધ્‍ધ અરજી કે ફરિયાદ કરી નથી. તેઓ કારણ વગર આ રીતે અરજીઓ કર્યા કરે છે અને નોટીસો મોકલ્‍યા રાખે છે. સતત હેરાનગતી થતી હોવાથી મેં પણ તેમને કહેલ કે હવે અમે પણ કેસ કરશું. આ સિવાય કોઇ ધમકી આપી નથી.

વેબદુનિયા પર વાંચો