હીરા ઉદ્યોગને સરકાર બચાવે- ગોહિલ

વેબ દુનિયા

ગુરુવાર, 29 જાન્યુઆરી 2009 (20:08 IST)
ગુજરાતના નાના અને લઘુ ઊદ્યોગો તથા હીરા ઊદ્યોગને મંદીમાંથી બચાવવા માટે ગુજરાતે સરકારે તાત્કાલીક પગલાં ભરવા જોઈએ એવો વિરોધપક્ષના નેતા શકિતસહ ગોહિલે રોષ ઠાલવ્યો હતો.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી ઉદ્યોગોને રાહત માટે બે પેકેજો બહાર પડ્યા છે. પરંતુ રાજયની સરકાર વાયબ્રન્ટના નામે ઊત્સવો કરી બહારના મોટા ઉદ્યોગ ગૃહોને લહાણી કરે છે અને ગુજરાતના સ્થાનિક અને નાના અને મધ્યમ ઉદ્યોગોને કશું જ આપતી નથી. મંદીના આ વાતાવરણમાં રાજય સરકારે ઈલેકટ્રીકસીટી ડ્યુટી ઉદ્યોગો પાસેથી લેવાનું બંધ કરવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય લેવલ પર કોલસાના ભાવો ઘટ્યા છે અને પેટ્રોલીયમ પેદાશોના ભાવો પણ ઘટ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે અને હજુ વધારે ઘટાડાની શકયતાઓ જાહેર કરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ વિજળીના દર ઘટાડવા જોઈએ અને ઉદ્યોગ ગૃહો માટે પોતે ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશન તથા અદાણીના માધ્યમથી અપાતા ગેસના ભાવો ઘટાડવા જોઈએ. દેશમાં સૌથી વધારે વેલ્યુએડેટ ટેક્ષ (વેટ) ગુજરાત સરકાર લઈ રહી છે. તેમાં પણ રાહતો ગુજરાત સરકારે તાત્કાલીક જાહેર કરવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો