હાશ... ઇન્ટરનેટ ચાલુ થઈ ગયું

બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (16:45 IST)
હાશ... ઇન્ટરનેટ ચાલુ થઈ ગયું, સાત દિન કે બ્રેક કે બાદ ગ્રુપ મેં અાપકા સ્વાગત હૈ, ફેસબુક અને વોટ્સઅેપ શરૂ થવા બદલ અભિનંદન, અમદાવાદમાંથી ‌િડ‌િજટલ કરફ્યુ ઉઠાવી લેવાયો... મોબાઈલ ઇન્ટરનેટ શરૂ થતાંની સાથે જ વોટ્સઅેપ ગ્રુપમાં અાવા મેસેજ ફરતા થઈ ગયા હતા. મોડી રાત્રે મોબાઈલ ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ ઉઠાવ્યા બાદ યંગસ્ટર્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને મોડી રાત સુધી ન જાગનારા લોકોઅે પણ જાગીને મોબાઈલ ઇન્ટરનેટનાં પારણાં કર્યાં હતાં. 
પાટીદાર અનામત રેલી બાદ ભડકી ઊઠેલા તોફાનને પગલે અમદાવાદ શહેર તેમજ રાજ્યભરમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં અાવ્યો હતો, જેના પગલે રક્ષાબંધનના તહેવારમાં પણ લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી શક્યા નહોતા તેમજ ઇન્ટરનેટ બંધ હોવાથી ઘણાં કામકાજ અટવાઈ પડ્યાં હતાં. વોટ્સઅેપ અને ફેસબુકના બંધાણીઅો નવરા ધૂપની જેમ છ દિવસ બેસી રહ્યા હતા.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છ દિવસ બાદ સ્થિતિ સંપૂર્ણ શાંતિમય લાગતાં રાજ્યમાંથી બે દિવસ અગાઉ અને અમદાવાદમાં ગઈ કાલ રાત્રે મોબાઈલ ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો હતો. રાત્રે ૧૧ વાગ્યે ઇન્ટરનેટ શરૂ થતાંની સાથે જ યંગસ્ટર્સ મોબાઈલ લઈને વોટ્સઅેપ પર અોનલાઈન મચી પડ્યાં હતાં. હવે તોફાન કર્યું તો પાછું ઇન્ટરનેટ બંધ કરી દઈશ. ગુજરાતમાં અાવ્યા અચ્છે દિન, ફાઈનલી ઇન્ટરનેટ ચાલુ થઈ ગયું જેવા મેસેજ સાથે યંગસ્ટર્સ ગ્રુપે ચેટીંગ શરૂ કર્યું હતું. મોડી રાત સુધી ન જાગનારા લોકોઅે પણ મોડી રાત્રી સુધી જાગીને છ દિવસ ઇન્ટરનેટ બંધ રહ્યું અને ત્યારબાદ શરૂ કર્યા અંગે ચેટીંગ શરૂ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો