હવે નર્મદા નદીમાં પણ મગર દેખાતા નહાવા પર પ્રતિબંધ

મંગળવાર, 3 જૂન 2014 (12:12 IST)
ભરૃચ જિલ્લામાં છેલ્લા એક માસમાં મગરે બે વ્યક્તિને ફાડી ખાવાન બનાવ બન્યા છે. વિતેલા ત્રણ વર્ષમાં મગરોનો આતંક વધ્યો છે. સાથે હાલમાં મગરીના ઇંડા મૂકવાના દિવસો હોવાથી વધુ વ્યક્તિનો ભોગ ન લેવાય તે હેતુથી ભરૃચ જિલ્લાની વિવિધ રેન્જ દ્વારા વનવિભાગના ચૂનંદા અધિકારીઓની ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા યાત્રાધામ કબીરવડ સહિતના ૩૭ ગામોમાં નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકી દેવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. બે માસ સુધી મુકાયેલા પ્રતિબંધમાં ગામે ગામ નર્મદા તટે મગરને ઝડપી લેવા પાંજરા ગોઠવી દેવાયા છે. સાથે અહી મગર છ તેવા બોર્ડ લગાવીને જ્યારે જનતાને ચેતવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ વન વિભાગે મગરનો આતંક રોકવા લોક જાગૃતિ સહિતની કામગીરી શરૃ કરતા પ્રજાજનોની ચિંતા હળવી બનશે.

ભરૃચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં મગરોના આતંકના કારણે નર્મદા નદીમાં સ્નાન કરવા જતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. અત્યાર સુધી મગરનાં આતંકના કારણે બે વ્યક્તિઓના જીવ ગયા છે. જેમાં તા.૨૧-૫-ના રોજ ભાલોદ, તા.ઝગડીયા ગામમાં હિતેશ બારોટ, ઉ.વ.૩૯ અને ઝણોર તથા ભરૃચનાં તેજલ ઓડ નામની કિશોરીનો સમાવેશ થાય છે.  જેમનાં મોત નર્મદા નદીમાં મગરનાં હૂમલાનાં કારણે થયા હતા.

નર્મદા નદીમાં મગરગનાં ઉપદ્રવ છેલ્લા ત્રણ વર્ષમાં વધ્યો છે. આ બનાવોનાં આધારે વન વિભાગનાં અમલદારોએ યોજના બનાવી છે. જેમાં ભરૃચ રેન્જ, ઝઘડીયા રેન્જ, તેમજ રાજપારડી અને ઉમલ્લાનાં વન વિભાગનાં અમલદારોની ત્રણ ટીમો બનાવી કામગીરીનો આરંભ કર્યો છે. જેમાં નદી તટના ૩૭ ગામોમાં નહાવા પર પ્રતિબંધ મૂકાયો છે. બે માસ સુધી ચાલનારા આ પ્રતિબંધમાં યાત્રાધામ કબીરવડનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત નર્મદા તટે અહીં મગર છે તે જણાવતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત લોક જાગૃતિ લાવવાનાં પ્રવાસો પણ કરવામાં આવી રહ્યા છે.  અત્રે નોંધવું રહ્યું છે કે હાલનાં દિવસોમાં મગરીનાં ઇંડા મૂકવાનાં દિવસો ચાલી રહ્યા છે જેના કારણએ પણ સાવચેતી રાખવી જરૃરી છે.

 

વેબદુનિયા પર વાંચો