સ્વાદરસિયા સુરતીલાલાઓને પોંક ખાવાનું મોંઘું પડશે

ગુરુવાર, 2 જાન્યુઆરી 2014 (15:09 IST)
P.R
શહેરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શહેરમાં તાપમાનનો પારો ગગડતાં શહેરીજનોને બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની નોબત આવી છે. જોકે, ઠંડીની સિઝન બરાબર જામી છે છતાં પોંક ખાવા માટે શહેરીજનોએ ઊંચી કિંમત ચૂકવવી પડે એમ છે. કારણ કે, સિઝન છતાં પણ પાક ઓછો હોવાની વાતો કરીને શહેરમાં ઠેરઠેર ધમધમતા સ્ટોલ પર ૪૫૦થી ૫૦૦ રૃપિયે કિલોની કિંમતે જ પોંકનું વેચાણ થઇ રહ્યું છે. તેમજ હજુ પણ શહેરમાં મહદ્અંશે બારડોલીથી આવતા પોંકનું જ વેચાણ થઇ રહ્યું છે. તે જોતાં પોંકના ઊંચા ભાવો શોખીનોની ઠંડી ઉડાડી દેવા માટે પૂરતા છે. પોંક સિવાય ઠેરઠેર સ્ટોલ પર પોંક, પોંકવડા, પોંક પેટિસ અને મરી-લાલમરચા સેવનું પણ વેચાણ થઇ રહ્યું છે.

સ્વાદરસિયા સુરતીલાલાઓ સિઝન પ્રમાણે સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગીઓનો આસ્વાદ માણે છે, તે પૈકીની ઘણી વાનગીઓ તો દેશ-વિદેશમાં વખણાઇ છે. સુરતનો લોચો, ઘારીની સાથે શિયાળાની સિઝનમાં આરોગવામાં આવતો પોંક પણ ઘણો જાણીતો છે. શિયાળામાં સુરતના અસ્સલ આંધળી વાનીના પોંકની મન મૂકીને જિયાફત માણવામાં આવે છે. હમણાં કડકડતી ઠંડી વચ્ચે શહેરમાં ઠેરઠેર પોંકનું વેચાણ થઇ રહ્યું છે. શહેરમાં કોટ વિસ્તાર, અડાજણ, સિટીલાઇટ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારમાં પોંકના સ્ટોલ ધમધમી રહ્યા છે. પોંક અને પોંકની વાનગીઓનો સ્વાદ માનવા માટે સ્ટોલ પર લોકોની ચહલપહલ પણ દેખાઇ રહી છે. જોકે, કડકડતી ઠંડીમાં પણ પોંકનો ભાવ સાંભળીને હોંશ ઊડી જાય એમ છે. શિયાળાની સિઝન બરાબર જામી છે ત્યારે પોંકના ભાવ સાંભળીને ઠંડી ઊડી જાય એવું છે. હમણાં પોંક કિલો દીઠ અધધધ ૫૦૦ રૃપિયાના ભાવે વેચાઇ રહ્યો છે. જ્યારે પોંક પેટિસ ૨૨૦ અને પોંક વડાનો ભાવ ૨૦૦ રૃપિયા બોલાઇ રહ્યો છે. જોકે, સિઝન હોવા છતાં હમણાં સુરતમાં ઠેરઠેર વેચાઇ રહેલો પોંક બારડોલીથી આવી રહ્યો છે. એક વિક્રેતાએ જણાવ્યું હતું કે, સુરતનો અસ્સલ આંધળી વાનીનો પોંક ઓછો આવતો હોવાથી હમણાં બારડોલીમાં ભરાતા પોંક બજારમાંથી સુરતમાં પોંક આવી રહ્યો છે. હમણાં સુરતમાં સ્ટોલના વિક્રેતાઓ બારડોલીથી પોંક લાવી રહ્યા છે, એટલે ભાવ ૫૦૦ રૃપિયા બોલાઇ રહ્યો છે. હજુ સુરતના અસ્સલ પોંકની આવક બરાબર શરૃ થશે ત્યાર પછી જ ભાવમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, ગયા વર્ષે સિઝનમાં ૨૫૦થી ૩૦૦ રૃપિયે કિલોના ભાવે પોંક વેચાયો હતો.

વેબદુનિયા પર વાંચો