સ્કુલ વાનના ભાવ વઘ્યા

શનિવાર, 4 જૂન 2016 (13:05 IST)
મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય પ્રજા પર વધુ એક બોજો ઝીકાયો છે. શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ જતી સ્કુલ રીક્ષા અને સ્કુલવાનના ભાડામાં વધારો કરી દેવાયો છે. અમદાવાદ સ્કુલ  વર્ધી એસોસિએશને આ ભાવ વધારો કર્યો છે. સ્કુલ રીક્ષા અને સ્કુલ વાનમાં રુપિયા ૧૫૦નો વધારો કરાયો છે. નવા શૈક્ષિણક સત્રથી સ્કુલ રીક્ષા તેમજ સ્કુલ વાનમાં થયેલો ભાવ વધારો લાગુ થઈ જશે. સ્કુલ વર્ધી એસોસીએશન દ્વારા છેલ્લા ૩ વર્ષમાં ભાવ વધારો કરાયો નહોતો.હવે ત્રણ વર્ષ બાદ હવે સ્કુલ રીક્ષા અને સ્કુલ વાનના ભાડામાં ૧૫૦ રુપિયાનો ભાવ વધારો કરાયો છે.

સ્કુલ વર્ધી સાથે સંકળાયેલા એક ઓટો માલિકના જણાવ્યા પ્રમાણે સ્કુલ રીક્ષામાં મીનિમમ ભાડુ રુપિયા ૩૫૦ના જગ્યાએ રુપિયા ૫૦૦ લેવામાં આવશે. દર કિલો મીટરે સ્કુલ રીક્ષામાં રુપિયા ૫૦નો વધારો કરાયો છે. જ્યારે સ્કુલ વાનમાં મિનીમમ ભાડુ રુપિયા ૬૦૦ના બદલે રુપિયા ૭૫૦ લેવામાં આવશે. સાથે જ પ્રતિ કિલોમીટર સ્કુલ વાનમાં રૂપિયા ૧૦૦નો ભાવ વધારો કરાયો છે. 

અમદાવાદ સ્કુલ વર્ધી એસોસિએશન દ્વારા કરાયેલા ભાવ વધારાનો સૌથી વધુ બોજ ધોરણ-૮થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પર પડશે. કારણકે તેમની સ્કુલ રીક્ષામાં આખી સંખ્યા ગણવામાં આવે છે. સાથે જ આરટીઓના નિયમ મુજબ સ્કુલ રીક્ષામાં નાની વયના છ બાળકો જ રાખવાની મંજુરી છે. ધોરણ-૮થી ૧૨ના વિદ્યાર્થીઓ ઉમરમાં અને શારીરિક રીતે મોટા હોવાના કારણે ત્રણ જ બાળકો બેસાડી શકાશે અને તેમના વાલીઓ પાસેથી ડબલ રુપિયા લેવામાં આવશે.

નોંધનીય છે કે,  થોડા મહિના પહેલા સ્કુલ રીક્ષામાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવતા હોવાથી બીજુ નાયર દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે રાજ્યભરમાં સ્કુલવર્ધીની રીક્ષામાં ૬થી વધારે બાળકો ન બેસાડવા આદેશ આપ્યો છે. સરકારે ૧૦થી વધારે બાળકો બેસાડવા પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાઈકોર્ટના આ નિયમ પછી આરટીઓએ પણ નિયમ કડક બનાવ્યા છે.

વેબદુનિયા પર વાંચો